દમણ: સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીની 2 દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુનું પ્રશાસક પ્રફુલ પટેલે ભવ્ય સ્વાગત કર્યું હતું. તો, રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ મોટી દમણમાં જામપોર સ્થિત પક્ષીઘરની મુલાકાત લીધી હતી. તેમજ રામસેતુ પર દરિયા કિનારે વિવિધ ખાદ્ય સામગ્રી વેંચતા સિલ્વન દીદી સ્ટોલ ધારકોને મળી તેમની સંઘર્ષગાથા સાંભળી હતી. મોડી સાંજે પ્રશાસન દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી કલાકારોને બિરદાવ્યા હતાં.
રાષ્ટ્રપતિનું ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કર્યું: મંગળવારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ બપોરે 2:30 કલાકની આસપાસ દમણના કોસ્ટગાર્ડ એર સ્ટેશન ખાતે હેલિકોપ્ટર મારફતે ઉતર્યા હતા. જ્યાં પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા તેમનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડના જવાનો દ્વારા રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કર્યું હતું.
કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો: અંદાજીત 38 જેટલી કાર સાથેનો રાષ્ટ્રપતિનો કાફલો એરપોર્ટ રોડથી મોટી દમણ ગવર્મેન્ટ હાઉસ ખાતે રવાના થયો હતો. સાંજે રાષ્ટ્રપતિએ મોટી દમણના જામ્પોર ખાતે ઉદ્ઘાટિત થયેલા પક્ષીઘરની મુલાકાત લીધી હતી. દમણ ઇન્જીનીયરિંગ કોલેજ કેમ્પસની મુલાકાત લઈ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. નાની દમણ નમોપથ દરિયા કિનારાની મુલાકાત લઈ મોટી દમણ લાઈટ હાઉસ સ્થિત રાત્રી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
દમણ ખાતે જે પક્ષીઘરની મુલાકાત લીધી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દમણ ખાતે જે પક્ષીઘરની મુલાકાત લીધી હતી તે વિશ્વભરના દુર્લભ અને વિવિધ પ્રજાતિઓનું અલભ્ય પક્ષીઘર છે. એવિયરીમાં પક્ષીઓને તેમના મૂળ નિવાસસ્થાન જેવું જ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. જે અંગેની વિગતો મેળવી આનંદ વ્યક્ત કર્યો હતો.
નાના વેપારીઓના સંઘર્ષની પ્રશંસા કરી: મોટી દમણના રામ સેતુ બીચ પર સિલ્વન દીદીના કાર્ટ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનું આગમન એક યાદગાર ક્ષણ હતી તેમણે સિલ્વન દીદીના સંઘર્ષ અને સફળતાની ગાથા સાંભળી હતી. નાના વેપારીઓના સંઘર્ષ ની પ્રશંસા કરી. દમણમાં સરકારી એન્જિનિયરિંગ કૉલેજના માર્ગ પર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના આદિવાસી અનિતાબેન હળપતિ સાથે વાતચીત કરી હતી.
આજે દાદરા નગર હવેલીની મુલાકાતે: ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીની 2 દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના સ્વાગતમાં દમણને રોશનીથી શણગારવામાં આવ્યું છે. મંગળવારની રાત પણ રાષ્ટ્રપતિ દમણમાં રોકાયા હતા. બુધવારે તેઓ દાદરા નગર હવેલીની મુલાકાતે નીકળ્યા હતાં.. જ્યાં સેલવાસમાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લઈ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે. ઝંડા ચોક ખાતે શાળાનું ઉદ્ઘાટન કરશે અને સેલવાસમાં પણ એક જાહેર સમારોહને સંબોધિત કરશે.
આ પણ વાંચો: