નવસારી: ભારત સરકાર દ્વારા સાત રાજ્યોમાં PM મિત્રા પાર્ક સ્થાપવાનું આયોજન છે. જેમાં ગુજરાતમાં નવસારી જિલ્લાના કાંઠાના વાંસી ગામે 1141 એકરમાં પ્લગ એન્ડ સ્ટાર્ટ પ્રકારે શરૂ થનારા PM મિત્રા પાર્કનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરશે. ત્યારે તંત્ર દ્વારા કાર્યક્રમને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
કેપિટલ ઇન્ડસ્ટ્રીઝમાંથી ભારતમાં લેબર ઇન્ટેનસિવ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા ભારત સરકાર પ્રયત્નશીલ છે. જેને ધ્યાને રાખી ભૂતકાળમાં જ્યાં ટેકસ્ટાઈલ ઉદ્યોગની જાહોજલાલી હતી, એવા 7 રાજ્યોને પસંદ કરી PM મિત્રા પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતને પણ એક પાર્ક મળ્યો છે. નવસારી જિલ્લાના કાંઠાના વાસી ગામે 1141 એકરમાં કેન્દ્ર સરકારના સહયોગથી તમામ પ્રકારની સુવિધાઓ સાથે તૈયાર થનારા પ્લગ એન્ડ સ્ટાર્ટ ટાઇપ PM મિત્રા પાર્કનું આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. જેની સાથે જ સુરત તેમજ અન્ય જિલ્લાઓના કુલ 41 હજાર કરોડના પ્રકલ્પોનું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ અને ખાતમુર્હુત કરશે.
કાર્યક્રમને આખરી ઓપ: તંત્ર દ્વારા વાસી ખાતે યોજાનારા કાર્યક્રમને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જેમાં આજે રિહર્સલ કરીને તંત્ર દ્વારા મિનીટે મિનિટના કાર્યક્રમની ચકાસણી કરી હતી. સાથે જ ટ્રાન્સપોર્ટેશન, પાર્કિંગ, ફૂડ પેકેટ, આરોગ્ય, , સુરક્ષા સહિતની તમામ તૈયારીઓને પણ ચકાસીને તંત્ર સાથે ભાજપ આવતી કાલે પ્રધાનમંત્રીને આવકારવા સજ્જ બન્યું છે.
ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવતીકાલે પીએમને આગમનને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અલગ અલગ પ્રકલ્પોના ખાતમુરત અને લોકાર્પણ કરવામાં આવશે. જેમાં લાખોની જનમેદની ભેગી થવાની છે જેને લઇને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાઓના તમામ કામગીરી કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભાજપના આગેવાનોને કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહિત છે.