ભાવનગર : સમગ્ર દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે. ગુજરાતમાં ભાવનગર લોકસભા બેઠક પર ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ETV BHARAT એ ભાવનગરના કલેકટર અને ચૂંટણી અધિકારી આર. કે. મહેતા સાથે ખાસ વાતચીત કરી હતી.
ચૂંટણી તંત્રની પ્રાથમિક તૈયારી : ચૂંટણી અધિકારી આર. કે. મહેતાએ જણાવ્યું હતું કે, 15 ભાવનગર લોકસભામાં બોટાદ જિલ્લાની ગઢડા અને બોટાદ બેઠક છે, ભાવનગર જિલ્લાની મહુવા અને ગારીયાધાર સીટ અમરેલીમાં છે. મતદાન મથકની વાત કરીએ તો જિલ્લામાં 19,09,000 મતદારો આવેલા છે અને 1965 એના માટે મતદાન મથક છે. એના માટે સ્ટાફની જરૂરિયાત મુજબ લગભગ 10,191 જેટલા ચૂંટણી સ્ટાફની નિમણૂક થઈ ગઈ છે. પ્રથમ રેન્ડમાઇઝેશન થઈ ગયું છે. લગભગ 7400 જેટલા લોકો મતદાન મથકો પર નિયુક્ત થશે, જેની જુદી જુદી ભૂમિકા હશે.
પોસ્ટલ બેલેટ પેપર ટપાલથી નહીં જાય : આ વખતની ચૂંટણીપંચની સૂચના મુજબ જે મતદાન મથકો પર જે સ્ટાફ ડિપ્લોય છે એને ફરજીયાત પોસ્ટલ બેલેટ પેપર મતદાન કરવાનું છે. એ પોસ્ટલ બેલેટ પેપર ટપાલમાં નથી મોકલવાના. ભૂતકાળમાં એવું હતું કે ટપાલમાં મોકલવામાં આવતા હતા. હવે રાજ્યકક્ષાએ ત્રણ એક્સચેન્જ મેળા થશે, તેની અંદર અત્યારે અમે લોકો પાસેથી 12 નંબરના ફોર્મ ભેગા કર્યા છે અને એ 12 નંબરના ફોર્મ અમે ગાંધીનગર અને અમદાવાદમાં પહોંચાડીશું.
આચારસંહિતા ભંગની ફરિયાદ : કલેકટર આર કે મહેતાએ જણાવ્યું હતું કે, લગભગ 26 જેટલી ફરિયાદો આવી છે અને એનો અમે લોકો દૈનિક ધોરણે નિકાલ કરતા હોઈએ છીએ. આચારસંહિતા ભંગની ફરિયાદનું મોનિટરિંગ અમારે ત્યાં બેઠેલી ટીમ કરે છે. સી વિજિલન્સ ટીમ કોઈપણ ફરિયાદનો નિકાલ કરે છે, એનું 100 મિનિટમાં નિકાલ કરવો જરૂરી હોય છે. અમે એનું પણ મોનિટરિંગ કરતા હોઈએ છીએ. બધી ફરિયાદો આવી છે એનો સુખરૂપ નિકાલ કરવામાં આવેલ છે.
સમાજના વિરોધની મતદાન પર અસર ! ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે વિરોધ જે થઈ રહ્યો છે એનો મતદાન સાથે સીધો કોઈ સંબંધ નથી. અમે લોકો પ્રયત્ન એવો કરીએ છીએ કે વધુમાં વધુ લોકો મતદાન કરવા આવે. આપણો જિલ્લો રાષ્ટ્રીય એવરેજ કરતા રાષ્ટ્રીય અને રાજ્ય બંનેની એવરેજ કરતા ઓછા સરેરાશ મતદાન વાળો છે. તેના અમુક કારણો છે, જેમ કે અમુક તાલુકાઓમાં મોટાભાગે લોકો નોકરી-ધંધાર્થે બીજા મોટા શહેરોમાં ગયા છે, એ લોકો અહીંયા ઉપલબ્ધ હોતા નથી.
મતદાન જાગૃતિ અભિયાન : આ ઉપરાંત અમે લોકોએ એવા આયોજન કર્યા છે કે જ્યાં આગળ સ્થિત એવરેજ કરતા ઓછું મતદાન થયું છે અથવા જ્યાં સૌથી ઓછું મતદાન થયું છે. એવા 10 મતદાન મથકો દરેક વિધાનસભા મત વિભાગમાં, આ ઉપરાંત પુરુષ અને મતદાન મથકમાં મતદાન ટકાવારીમાં 10 ટકા કરતાં વધારે તફાવત હોય એવા ગામ અને એવા વિસ્તારોમાં સ્પેશિયલ ઝુંબેશ ચાલી રહી છે. ત્યાં અમે લોકો પબ્લિકનો સંપર્ક કરીએ છીએ, ત્યાં નાના મોટા કાર્યક્રમો કરીએ છીએ.
બાળકોના માધ્યમથી જાગૃતિ : જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી તરફથી પ્રાથમિક શાળાના બાળકોને તેમના માતા-પિતાને પ્રેરિત કરવા માટે કહેવામાં આવ્યું છે. મતદાનના દિવસે બાળકો માતા-પિતાને કહેશે "મને તમારું ટપકું બતાવો", આ પ્રકારની એક નાનકડી પહેલ કરી છે. બાળક સાચું બોલે છે એને પોતાના માતા-પિતાએ મતદાન નહીં કર્યું હોય તો તેમને કહેશે કે મને મારા શિક્ષકે કહ્યું છે કે તમે મતદાન કરો. તમે મતદાન જરૂર કરી આવો એટલે અમારી તંત્ર તરીકે કોશિશ છે.