જામનગર: શહેરમાં પ્રિ-મોનસુનની કામગીરી પુરજોરમાં ચાલી રહી છે, નદી અને કેનાલની સફાઇ કામગીરી લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે, વિભાગની 11 જેટલી ટીમોને અલગ-અલગ વિસ્તારોમાં મોકલીને કામગીરી કરવામાં આવી રહી છે. હાલ સુધીમાં તમામ મુખ્ય કેનાલોની સાફ-સફાઇ કરી દેવામાં આવી છે, અને જરૂર પડશે ત્યારે વખતો વખત સફાઇની કામગીરી ચાલતી રહેશે. આ કામગીરી માટે કુલ 50 લાખ રૂપિયાનું બજેટ ફાળવાયું છે, વિવિધ ટીમોને કામે લગાડી એક માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે, "મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, સીટી ઇજનેર ભાવેશ જાનીના માર્ગદર્શન અંદર આ કામગીરી ઝડપભેર કરવામાં આવી રહી છે." તેમ સોલીડ વેસ્ટ શાખાના મુખ્ય અધિકારી મુકેશ વરણવા એ જણાવ્યું હતું.

પ્રથમ રાઉન્ડ 31 મે એ પૂરો થશે: જામનગર શહેરમાં રણજીત સાગર રોડ, દરેડ, ખોડીયાર કોલોની, ગોકુલનગર, ઇન્દીરા રોડ, અંબર ચાર રસ્તા, નવાગામ ઘેડ જેવા વિસ્તારોમાં પાણીના નિકાલ માટેની મુખ્ય કેનાલ ગોઠવાયેલી છે. જેની કુલ લંબાઇ 40 કિ.મી. છે. જો કે કેનાલ અને નદી-નાળા એક વખત સાફ-સફાઇ કરાવ્યા હતા. આ સંપૂર્ણ કામગીરી 25 એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી. જેનો પ્રથમ રાઉન્ડ 31 મે એ પૂરો થશે. જ્યારે બીજો રાઉન્ડ જયાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી ચાલુ રહશે.

70 ટકા કામગીરી પૂર્ણ થઇ: તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 70 ટકા કામગીરી પૂર્ણ થઇ છે તેમ કહી શકાય, ખાસ કરીને રણમલ તળાવમાં આવતી દરેડની કેનાલ, 49-દિ.પ્લોટ પાસેની કેનાલ, દવા બજાર, સોનલનગર, ખોડીયાર કોલોની, નવાગામ ઘેડ, વિભાપર નવનાલા સહિતની કેનાલ સહિતની રંગમતી-નાગમતી નદીની કેનાલોને એક વખત સાફ કરી દેવામાં આવી છે, જો કે વરસાદ થશે ત્યારે થોડો ઘણો કચરો થશે, ત્યારે પણ ફરીથી સાફ-સફાઇ કરવામાં આવશે.
પ્રિ-મોનસુન કામગીરીનું સતત મોનીટરીંગ: રંગમતી અને નાગમતી નદીને ચોખ્ખી કરવાની કામગીરી ખાસ કરીને કરવામાં આવી છે. અને ગયા વખતે જયાં-જયાં પાણી ભરાયું હતું ત્યાં આ વખતે પાણી ન ભરાય તે માટે તકેદારી રાખવામાં આવી છે. ઉપરાંત પ્રિ-મોનસુન કામગીરીનું સતત મોનીટરીંગ થઇ રહ્યું છે. અને સફાઇની કામગીરીમાં ભૂગર્ભ ગટર અને સિવીલ વિભાગના સ્ટાફ કામે લગાડવામાં આવ્યા છે, જો કે તમામ ભૂગર્ભ ગટરના મુખ્ય હોલ અને ગટરની કામગીરી જુદા-જુદા કોન્ટ્રાકટરને આપવામાં આવી છે. ગયા વર્ષે અમુક વિસ્તારમાં નબળી કામગીરી થઇ હોવાનો પણ કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં જણાવ્યું હતું અને તેના સામે કડક પગલાં લેવા માટે પણ કહેવામાં આવ્યું છે.
ગયા વર્ષે પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો: મ્યુ.કમિશ્નર દ્વારા પ્રિ-મોનસુનની કામગીરી માટે અલગ-અલગ વિભાગોમાં અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે, અને બાકીનું કામ 15 દિવસમાં પૂર્ણ થશે. ગયા વખતે ગુલાબનગર વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી લોકોનો રોષ પણ ફાટી નિકળ્યો હતો અને તેમણે સાંસદ, ધારાસભ્ય, મેયર અને ચેરમેન સહિતના પદાધિકારીઓને રજૂઆત પણ કરી હતી.
11 ટીમો દ્વારા થઈ કામગીરી: લગભગ બે અઠવાડીયામાં 11 ટીમો દ્વારા કરાતી કામગીરીનો પ્રથમ ભાગા પુરો થશે, પરંતુ પ્રથમ વરસાદ બાદ ઘણી વખત આ કેનાલ ભરાઇ જાય છે, જેને કારણે તળાવમાં પાણીની આવક ઘટી જાય છે. આ વખતે આવું ન બને તે માટે પહેલેથી જ સર્તકતા રાખવી પડશે અને જયાં-જયાં કેનાલમાં થોડો ઘણો કચરો ભરાય ત્યારે આ કેનાલો સાફ કરાવી પડશે. જો કે, અધિકારીઓ દ્વારા વ્યવસ્થિત રીતે કામ થતાં સમયસર પૂર્ણ થવાની શક્યતા છે. '