કચ્છ: વરસાદ બાદ ભુજ શહેરનો એક પણ રસ્તો ખાડામૂક્ત રહ્યો નથી. જ્યાં જ્યાં ગટર લાઇનો બેસી ગઇ તે જગ્યાએ પાલિકા દ્વારા રસ્તાને તોડી નાખવામાં આવ્યા છે, જેથી વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જાહેર માર્ગો પર ખોદકામને કારણે પણ લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. શહેરનાં જ્યુબિલિ સર્કલ, હોસ્પીટલ રોડ અને સ્વામીનારાયણ મંદિર રસ્તા પર અગાઉ ખાડાઓ તો હતા જ પરંતુ ગટરલાઈનના કારણે પણ ખાડાઓ ખોદવામાં આવતા વધુ મુશ્કેલી ઊભી થઈ છે.
વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો: ખાડાઓમાં પાણી ભરાઈ જવાના કારણે ખાડા કેટલા ઊંડા છે તેમજ કંઈ જગ્યાએ ખાડા છે તે જાણી શકાતું નથી. જેને કારણે વાહનો સ્લીપ થવા સહિતની ઘટનાઓ પણ અવારનવાર ઘટી રહી છે. જાહેર રસ્તાઓ પરથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો શહેરનાં બિસ્માર રસ્તાઓનાં કારણે પ્રજા પણ પરેશાન છે.
વાહનચાલકો પડતાં પડતાં બચ્યા: સ્થાનિક રહેવાસી વિનોદ સોલંકીએ જણાવ્યું હતું કે, ભુજના મુખ્ય વિસ્તારોમાં એટલા બધા ખાડાઓ થઈ ગયા છે કે હું પણ બે વખત પડતાં પડતાં બચ્યો છું. ખાડાઓ પૂરવા માટે તંત્ર પાસે સમય નથી. વરસાદ તો અડધો કલાક-કલાક આવે છે ત્યારે કોન્ટ્રાકટરો તો જાહેર માર્ગો પર ખાડા ખોદીને ચાલ્યા જાય છે. રસ્તાઓમાં ભૂવાઓ પણ પડી ગયા છે. શહેરના મંગલમ વિસ્તાર, જ્યુબિલિ સર્કલ વિસ્તાર તેમજ હોસ્પિટલ રોડ પર અનેક ખાડાઓ છે. ખાડાઓના કારણે કોણ ક્યારે પડી જાય તેનું પણ કંઈ નક્કી નથી. તંત્ર ઊંઘેલું છે અને તેને આ સમારકામ કરવાનો સમય નથી તેના બધા કોન્ટ્રાકટર લેભાગુ છે. નગરસેવકોએ મત મેળવી લીધા પરંતુ જનતાના કામ કરવા માટે તેની પાસે સમય નથી.
1 કરોડની ગ્રાન્ટથી થશે રીસરફેસિંગ અને પેચવર્ક: ભુજ નગરપાલિકાના ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકાને રીસરફેસિંગની ગ્રાન્ટ મળેલી છે. તેના મારફતે ભુજમાં જે સ્થળે ડામર રોડ અને સીસી રોડ આવેલા છે. ત્યાં રીસરફેસિંગ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જ્યાં ડ્રેનેજ અને પાણીની લાઈન નવી નાખવામાં આવી રહી છે. ત્યાં ડ્રેનેજની લાઈન બેસી જાય છે, ત્યાં ખોદકામ કરી સમારકામ કરવામાં આવી રહ્યું છે, જેમાં સમય લાગે છે. જેથી આ કામ પૂર્ણ થયા બાદ ડામર રોડ તેમજ પેચવર્ક માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. આ તમામ કામગીરી માટે 1 કરોડની ગ્રાન્ટ મળેલી છે.