પોરબંદર : પોરબંદરમાં બીએસયુપી આવાસ યોજના અંતર્ગત 2000થી પણ વધુ આવાસ બનાવવામાં આવ્યા હતા અને 2017થી જે લોકોએ આવાસ યોજનામાં મકાન લેવું હોય તે લોકો પાસેથી સરકાર દ્વારા 5000 રૂપિયા ટોકન પેટે લેવામાં આવતા હતાં. જેમાં ખારવા વાડની 121 જેટલી મહિલાઓએ 5000 રૂપિયા 2017ની સાલમાં ભર્યા હતાં. પરંતુ ત્યારબાદ આવાસ યોજનાના ડ્રો માં ક્યાંય પણ તેમનું નામ ન આવતા તેઓ રોષે ભરાઈ હતી. હવે આવાસ યોજનામાં જે મકાન બાકી છે તે13 એસટી અને એસસી સમુદાયને ફાળવવામાં આવ્યા છે. આથી મહિલાઓને ઘરનું ઘર ન મળતા અને વ્યાજે લઈ 5000 રૂપિયા પાલિકામાં ભર્યા હતાં તે પણ પરત ન મળતા રોષે ભરાઈ હતી.
મહિલાઓના આંખમાં આંસુ આવી ગયા : પોરબંદર પાલિકા કચેરીએ અનેક મહિલાઓ પોતાની રજૂઆત કરવા આવી હતી. પરંતુ તે સમયે પાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી તથા ચીફ ઓફિસર હાજર ન હોવાથી નગરપાલિકાના ક્લાર્ક પોતાની રજૂઆત કરતા સમયે મહિલાઓના આંખમાં આંસુ પણ આવી ગયા હતા. દિવાળીબેન શિયાળ નામના વૃદ્ધાએ જણાવ્યું હતું કે 2017માં વ્યાજે લઈને 5,000 રૂપિયા આવાસ યોજનામાં ઘર મળે તે માટે ભર્યા હતા. પરંતુ અમારું નામ નથી આવ્યું. કોઈ પણ ભોગે અમારે મકાન જોઈએ છે. સરકારને જગ્યા ફાળવવા વિનંતી કરી હતી.
સામાજિક કાર્યકરે આપી આંદોલનની ચીમકી : પોરબંદરમાં બીએસયુપી આવાસ યોજનામાં નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ડ્રોમાં 121 જેટલી મહિલાઓના પરિવાર આવાસથી વંચિત રહીં છે ત્યારે આ બાબતે અનેકવાર રજુઆત કરી છે. અને ડ્રો બાદ 2048 જેટલા આવાસમાંથી હવે બાકી રહેલા મકાનો st અને sc અનામતનો લાભ લેતા લોકોને મળશે. આથી આ મહિલાઓના 5000 રૂપિયા પણ નથી મળ્યાં. આથી સરકાર દ્વારા આગામી સમયમાં કોઈ નવી યોજના બહાર પાડવામાં આવે ત્યારે આ મહિલાઓને અગ્રીમતા આપવામાં આવે અને યોગ્ય કરવામાં આવે નહીં તો આંદોલન કરવાની ચીમકી સામાજિક આગેવાન અશ્વિન મોતીવરસે ઉચ્ચારી હતી.