પોરબંદર : હાઇવે પર અકસ્માતના અનેક બનાવો બની રહ્યા છે. પોરબંદરના કુતિયાણા ખાતે એક કાર ડિવાઇડર સાથે અથડાતાં ગંભીર અકસ્માત થયો હતો. કારમાં બેઠેલા પરિવારના સાત સભ્યોમાંથી બે બાળકોના મોત નીપજ્યા હતા. અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બે મહિલાઓને ગંભીર પહોંચતા એક મહિલાને રાજકોટ ખાતે અને અન્ય એક મહિલાને અમદાવાદ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ગમખ્વાર અકસ્માત : આવેલ માલ ગામ પાસે હાઇવે પર એક ગંભીર અકસ્માતનો બનાવ બન્યો છે. સાંજના સમયે જૂનાગઢથી પોરબંદર મેળો કરવા અર્થે કારમાં એક પરિવાર આવી રહ્યો હતો. તે સમયે કોઈ કારણોસર તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે બાળકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
હોસ્પિટલમાં સારવાર : ઈજાગ્રસ્તોને તાત્કાલિક પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઇજાગ્રસ્ત લોકોના નજીકના સગા-સંબંધીઓ તાત્કાલિક પહોંચી ગયા હતા આ ઉપરાંત ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી ગયા હતા.
2 બાળકોના મોત, 5 ઘાયલ : પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢમાં મધુરમ પાસે રહેતા એક પરિવારમાંથી બાપોદરા શિવમ સુનિલભાઈ ઉંમર વર્ષ 10 તથા ભૂતિયા જય ભરતભાઈ ઉંમર વર્ષ 7 (રહે રાંદલ કૃપા, ગોપાલ ધામ તક્ષશિલા વિદ્યાલય પાછળ જુનાગઢ ) નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ ઈજાગ્રસ્ત બન્યા હતા. જેમાં સુનિલભાઈ ભાયાભાઈ બાપોદરા ઉ. 35 તથા ભાવનાબેન ભરતભાઈ ભૂતિયા ઉંમર વર્ષ 35, શાંતીબેન સુનિલભાઈ બાપોદરા ઉમર 29, વૈશાલીબેન ભુતીયા ઉંમર વર્ષ 18, હિના ભરતભાઈ ભુતીયા ઉંમર વર્ષ 12 સમાવેશ થાય છે.
પોલીસ કાર્યવાહી : સરકારી હોસ્પિટલમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વૈશાલીબેન ભૂતિયાને રાજકોટ અને શાંતિબેન બાપોદરાને અમદાવાદ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત કઈ રીતે બન્યો છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.