પોરબંદર: પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલા સહિત ચાર લોકોને મારામારીના કેસમાં ઝડપી લીધા હતા. પોરબંદર એસપી ભગીરથી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજીનો વિશેષ માહિતી આપી હતી. જેમાં પોરબંદર જિલ્લાના બોરીચા ગામથી બખરલા ગામ બાજુ જતા રસ્તા ઉપર ગત 24 સપ્ટેમ્બર 2024 ના રોજ સવારના 09:00 વાગ્યાના અરસામાં 62 વર્ષીય દૂધ વિક્રેતા દાના ચાવડા નામના વ્યક્તિ ઉપર ત્રણ જેટલા અજાણ્યા વ્યક્તિઓએ કોદાળી સહિતના હથિયારો વડે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ફરિયાદ બગવદર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી હતી.
ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ: જે બાબતે ગુનો અનડીટેક્ટ રહેતા પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજા દ્વારા સમગ્ર મામલાની તપાસ પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ત્યારે પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ રાહેથી બાતમી મળી હતી કે, મારામારીના ગુનામાં સામેલ 27 વર્ષીય જયમલ કારાવદરા, 26 વર્ષીય વનરાજ ઓડેદરા નામના વ્યક્તિઓ બોરીચા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા છે. જે બાબતે વોચ રાખતા બંને આરોપીઓ ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ બંનેને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતાં ગુનાની કબુલાત આપી હતી. તેમજ પોતાની સાથે રહેલ ત્રીજો વ્યક્તિ મશરી ઓડેદરા (30) હોવાનું જણાવ્યું હતું. આરોપીઓની પૂછપરછમાં દાના ચાવડાને મારવા માટે અગાઉથી પૂર્વ નિયોજિત કાવતરું રચ્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ કાવતરું આદિત્યાણા ખાતે રહેતા ભીમા દુલા ઓડેદરાના કહેવાથી રચ્યું હોવાની કબુલાત આપી હતી.
મસરી ઓડેદરા ભીમદુલાના ઘરે છુપાયો હતો: મસરી ઓડેદરા ભીમા દુલાના ઘરે છુપાયો હોવાની બાતમી મળતા ભીમા દુલા ઓડેદરાના ઘર ખાતે જુદી જુદી 5 ટીમ બનાવી રેઇડ કરતા 91,65,000 રૂ.ની રોકડ તેમજ 4 ફાયર આર્મ્સ, 12 બોરના 207 કારતૂસ, 38 બોરના 106 કારતૂસ, તેમજ રાયફલના 69 કારતૂસ તેમજ તલવાર, ભાલા, લાકડી સહિતના 70 થી વધુ હથિયારો તેમજ દારૂની બોટલો પણ મળી આવતા બંને મામલે અલગથી ગુનો રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવશે. તેવું એસ.પી.ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
જાણો સમગ્ર ઘટના: આ ઉપરાંત ભગીરથ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 'અમારી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ભીમા દુલા ઓડેદરાના ઘરે છેલ્લા 14 વર્ષથી રામગર ભીમગર મેઘનાથી નામનો વ્યક્તિ રહેતો હતો. જેને બોરીચા ગામ ખાતે રહેતા દાના ચાવડા અને તેના પરિવારજનો સાથે મોટર સાયકલ ઓવરટેક કરવા બાબતે 3 મહિના પહેલા માથાકૂટ થઈ હતી. જે બાબતની વાતચીત રામનાથ મેઘનાથીએ ભીમા ઓડેદરાને કરી હતી. ત્યાર બાદ ભીમા દુલા ઓડેદરાએ પોતાના માણસોને લઈ બે ફોર વ્હીલરમાં હથિયારો સાથે બોરીચા ગામે જઈને દાના ચાવડાના સગા સંબંધીઓને ધાકધમકી આપી હતી. ત્યારબાદ ભીમા દુલા ઓડેદરાએ પોતાના માણસોને 20 દિવસ પહેલા સૂચના આપી હતી કે, જ્યારે પણ મોકો મળે ત્યારે દાના ચાવડાને માર મારવાનો છે. જેથી ગત 24 તારીખના રોજ દાના ચાવડા પોતાના ઢોર ચરાવવા માટે નીકળ્યા હતા. ત્યારે આરોપીઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો.'
ભીમા દુલા વિરુદ્ધ 1975 થી 2011 સુધીમાં 48 ગુના દાખલ: કુખ્યાત આરોપી ભીમા દુલા ઓડેદરા વિરુદ્ધ વર્ષ 1975 થી લઈ 2011 સુધીમાં પોરબંદર જિલ્લા ખાતે જુદાજુદા 48 જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે. જેમાં મર્ડરના 3, એટેમપ્ટ ટુ મર્ડરના 4 તેમજ આર્મ્સ એકટના 7 જેટલા ગુના તેમજ ટાડાના 4 જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે. રોકડ રકમ બાબતે આઇટી વિભાગને જાણ કરવામાં આવશે. જે હથિયારો મળ્યા છે, તે અંતર્ગત પ્રાથમિક તપાસ કરતા હથિયારો ભીમા દુલાની પત્ની, પુત્ર અને પૌત્ર વધુના નામના હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. તો સાથે જ હથિયાર ધારાનો કોઈ ભંગ થયો હશે તો તે અંતર્ગત પણ ગુનો દાખલ કરવામાં આવશે. તેવું પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથ સિંહ જાડેજાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: