પોરબંદર : પોરબંદર જિલ્લાની એકમાત્ર અંગ્રેજી માધ્યમની સ્કુલમાં 26 જેટલા પ્રવાસી શિક્ષકોને છુટા કરી દેતા છેલ્લા અઠવાડિયાથી બાળકોનું શિક્ષણ રામ ભરોસે છે. વાલીઓ અને એનએસયુઆઈ સંગઠનની ઘણી રજૂઆતો છતા અધિકારીની કચેરીએથી માત્ર લાલીયાવાળી કરતા હોય તેવા જવાબ આશ્વાસન માટે મળી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ ના મહામંત્રી કિશન રાઠોડની આગેવાની પોરબંદર જિલ્લા એનએસયુઆઈ ટીમે વાલીઓ અને બાળકોને સાથે શિક્ષણ અધિકારી કચેરી ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો.. અમને અમારા શિક્ષકો આપો તેવા નારા બાળકોએ લગાવ્યા હતાં અને મહામંત્રી કિશન રાઠોડે શિક્ષણ અધિકારી સામે બંગડી ફેંકી વિરોધ કર્યો હતો.
અધિકારીના ટેબલ પર બંગડીઓ ફેકવામાં આવી : આજે પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો ઘેરાવ કરી એનએસયુઆઈના મહામંત્રી કિશન રાઠોડ સહિતના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરતાં કહેવામાં આવ્યું કે જો આપ કે તમારા ઉપરી અધિકારી સાહેબ મહાત્મા ગાંધી સ્કુલના બાળકોનું ભલુ વિચારી ના શકતા હોય તો આ બંગડીઓ પહેરી લો. તેમ કહી એનએસયુઆઈ દ્વારા અધિકારીના ટેબલ પર બંગડીઓ ફેકવામાં આવી હતી. આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો પોરબંદર એનએસયુઆઈ દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડવામાં આવશે.
કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત : શિક્ષણ અધિકારી દ્વારા જણાવ્યું હતુ કે અમે શિક્ષકોનો બે જ દિવસમાં ઓર્ડર કરી આપીશું ત્યારે એનએસયુઆઈ દ્વારા કહેવાયુ હતું કે જો આપ આ વિેધાર્થીના હિતનું કામ કરશો તો અમે એનએસયુઆઈ ટીમ આપનું ફુલોથી સ્વાગત કરીશું અભિવાદન કરીશું. પરંતુ જો આગલા દિવસોમાં યોગ્ય નિર્ણય આપ દ્વારા કરવામાં નહીં આવે તો અમે કાળું મોઢું કરવા પણ જરા શરમ રાખીશું નહીં. તે સાથે સૂત્રોચ્ચાર કરતાં પોલીસ દ્વારા કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી.
શિક્ષકો રાતોરાત છૂટા કરી દીધાં : આ ઉપરાંત વાલીઓ દ્વારા પણ હોબાળો મચાવતા કહેવાયું હતું કે અમારા બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવાનુ બંધ કરો.દર વર્ષે અમારા બાળકોને આજ સ્થિતિનો સામનો કરવો પડે છે, અધિકારીઓ કે સરકાર દ્વારા કેમ માત્ર કાગળ પર વાતો કરવામાં આવે છે શિક્ષકો કાયમી ધોરણે આવતા નથી. જે શિક્ષકોએ આ શાળાને C ગ્રેડમાથી આજે A ગ્રેડ પર લાવી દીધી છે ત્યારે તમે એ જ શિક્ષકો રાતોરાત છૂટા કરી દો છે. તો તાત્કાલિક ભરતી પણ કરી દો તેમ એક વાલીએ જણાવ્યું હતું ઼
માત્ર 5 શિક્ષકો છે : બેત્રણ દિવસમાં અંગ્રેજી શિક્ષકોની ભરતી કરવાનું આશ્વાસન પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી વી. કે. પરમારે જણાવ્યુ હતુ કે એમ કે ગાંધી સ્કૂલમાં ઉભા થયેલ પ્રશ્ન અંગે આજે એનએસયુઆઈએ જે રજુઆત કરી છે તે બાબતે 14 જેટલા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા શિક્ષકોની ભરતી બે ત્રણ દિવસમાં કરવામાં આવશે. હાલ એમ કે ગાંધી સ્કૂલમા 33 શિક્ષકોનું મહેકમ છે જેમાંથી માત્ર 5 શિક્ષકો છે. સરકાર દ્વારા આવનાર દિવસોમાં ભરતી કરવામાં આવશે ત્યારે જ આ શિક્ષકો મહેકમ પૂર્ણ થશે.