પોરબંદર: રાજકોટ ગેમ ઝોનની ગોઝારી દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે. સમગ્ર ગુજરાતમાં ફાયર વિભાગ અને સેફ્ટીની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરમાં પણ તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહી છે. પોરબંદરમાં છેલ્લા ચાર દિવસથી નગરપાલિકા તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા નિયમો વગરના અને ફાયર એનઓસી વગરના બાંધકામ કરેલ કોમર્શિયલ મકાનો પર સીલ મારવામાં આવી રહ્યા છે. પોરબંદરમાં આજે રિલાયન્સ મોલ તથા ક્રોમા મોલ અને D-martમાં તંત્ર દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. જ્યારે ચેમ્બર્સ ઓફ કોમર્સની બિલ્ડીંગમાં આવેલ બિરલા હોલ, નિલેશ વસ્ત્રની દુકાન તથા વિલિયમ ઝોન પીઝાની દુકાનમાં પણ સીલ મારવામાં આવ્યા હતા.
ત્રણ મોલ તથા એક ચેમ્બર્સ ઓફ કોમર્સની બિલ્ડીંગન સીલ: પોરબંદર છાયા નગરપાલિકાના ઇજનેર અજય બારૈયાના જણાવ્યા અનુસાર રાજકોટની બનેલ ઘટના બાદ પોરબંદર કલેકટરની સૂચનાથી પોરબંદર શહેરભરમાં જ્યાં જ્યાં ફાયર એનઓસી ન હોય, એક્સપાયર થઈ ગઈ હોય અને પ્રોપર રીતે બાંધકામ ન હોય તેવી બિલ્ડીંગોની ચકાસણી પણ કરવામાં આવી છે. અને છેલ્લા ચાર દિવસથી આ પ્રકારની કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. ત્યારે પોલીસ વિભાગ સાથે રાખીને વહીવટી તંત્રના અધિકારીઓ અને નગરપાલિકા ફાયર વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર જઈને ચકાસણી કર્યા બાદ નોટિસ આપે છે અને સીલ પણ મારે છે. ત્યારે અત્યાર સુધીમાં છ જેટલા ટ્યુશન ક્લાસીસો અને ત્રણ મોલ તથા એક ચેમ્બર્સ ઓફ કોમર્સની બિલ્ડીંગને સીલ મારવામાં આવ્યો છે.
આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની કામગીરી સતત ચાલશે. અને લોકોએ પણ ખાસ તકેદારી રાખવી પડશે. ભવિષ્યમાં કોઈનો જીવ ન જોખમાય તે માટે તંત્ર દ્વારા એક સરાહનીય પગલું છે. અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ આ ઝુંબેશમાં લોકો પૂરેપૂરો સહયોગ આપી રહ્યા છે. ભવિષ્યમાં પણ રાજકોટ જેવી ગોઝારી દુર્ઘટના ન બને તે માટે લોકોએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે.