પોરબંદર: જિલ્લાના ખારવાવાડના શહીદચોક વિસ્તારમાં નવાપડા પોલીસ ચોકી નજીક ગત તારીખ 14 ડિસેમ્બરે સવારે મારામારીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, આ વ્યક્તિના મોતની પાછળ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બનાવમાં મૃતક દેવજી કાનજી વાંદરીયાનો મૃતદેહને પીએમ માટે જામનગર લઈ જવામાં આવ્યો છે. પીએમ રીપોર્ટ આવ્યા બાદ સત્ય હકીકત બહાર આવશે.
હાલ પોલીસ દ્વારા આ બનાવમાં આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ ચોકી નજીક બનેલા આ બનાવમાં લોકોમા એવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે કે, મરણજનાર અને મારનાર બન્ને વ્યક્તિ નશાની હાલતમાં હતા.
'પીએમ રિપોર્ટ આવ્યા બાદ સત્ય હકીકત બહાર આવશે' - પોલીસ
સરકારી હોસ્પિટલમાંથી મૃતક દેવજી કાનજી વાંદરીયાના ભાઈ ધનસુખ કાનજી વાંદરીયાના જણાવ્યા મુજબ તેઓ સુભાષનગરમાં હતા. આ દરમિયાન કમલેશભાઈનો ફોન આવ્યો કે, દેવજી વાદરીયા સાથે એક વ્યકિત મારમારી કરી રહ્યો છે. વધુમાં જણાવતા મૃતકના ભાઈએ કહ્યું કે, "મારામારીની જાણ થતાં હું તરત આવ્યો. ત્યારબાદ ભાઈને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, અને હોસ્પિટલમાંથી ખબર પડી દેવજીનું અવસાન થઈ ગયું. આ મારામારીની ઘટના સવારે 9 થી 10 વાગ્યા દરમિયાન નવાપાડા પોલીસ ચોકી નજીક બની હતી."
જોકે સમગ્ર ઘટનાની તપાસ કરનાર કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.જે. ચૌધરી એ જણાવ્યું હતું કે, "સમગ્ર બાબતમાં મૃતકના મૃતદેહને જામનગર પીએમ અને ફોરેન્સિક રીપોર્ટ અર્થે ખસેડવામાં આવેલ છે. મૃતકના શરીર પર હાલ કોઈ ઇજા દેખાઈ નથી. ઉપરાંત તેઓ નશામાં હતા કે નહીં અને અન્ય બાબત અંગે પીએમ બાદ ખ્યાલ આવશે અને ત્યારબાદ જ સત્ય બહાર આવશે."
આ પણ વાંચો: