પોરબંદર : બે વર્ષ ઇંગ્લેન્ડ રહી પોરબંદરમાં પરત આવેલ બોખીરાના પ્રતાપ કાકુભાઇ પરમાર નકલી પાસપોર્ટ સાથે ઝડપાઈ ગયો હતો. પોરબંદર પોલીસે તેને પકડી લીધા બાદ આગળની તપાસ હાથ ધરીને કુલ ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.
પ્રતાપ કાકુભાઇ પરમાર નકલી પાસપોર્ટની બાતમી મળી : જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજાની સૂચના આધારે એસઓજી ચાર્ટરની કામગીરી કરવા અંગે તેમજ બોગસ પાસપોર્ટના કેસો શોધી કાઢવા અંગેની સૂચના પીઆઇ આર.પી.ચુડાસમા તેમજ પીએસઆઇ પી.ડી.જાદવને આપેલ હોય જે સૂચના અન્વયે એસઓજી સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ આર.એસ.ચાંઉ, એસ.એસ.જુણેજા, એમ.આર.ગોરાણીયા તથા બી.કે.ગોહીલને બાતમી મળેલી કે પોરબંદર બોખીરા વાછરાડાડાના મંદિર પાસે રહેતા પ્રતાપ કાકુભાઇ પરમાર નકલી પાસપોર્ટ બનાવીને યુ.કે જઇ આવેલ છે.
ખોટા દસ્તાવેજોનો ઉપયોગ : આ બાતમીને લઇને પ્રતાપ થોડા દિવસોથી પોરબંદર આવેલ હોવાની ચોકકસ માહિતી મળતા તેને પોરબંદર બોખીરા વાછરા ડાડાના મંદિર પાસેથી એક હેન્ડ બેગ સાથે પકડેલ, જે બેગમાંથી નકલી પાસપોર્ટ મળી આવેલો. પાસપોર્ટમાં પ્રતાપ અમરતભાઇ નામના નકલી પાસપોર્ટ હતોઅને તેનુ સાચુ નામ પ્રતાપ કાકુભાઇ પરમાર હતું. જે પોતાના આર્થિક ફાયદા સારૂ વિદેશ જવા માટે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી નકલી પાસપોર્ટ બનાવેલ હોય જે નકલી પાસપોર્ટ પોલા ગોગન સુંડાવદરા રહે.દેગામ પોરબંદરવાળા એ 38 લાખ માં બનાવી દઇ એક-બીજાએ મદદગારી કરી આઈ.પી.સી. કલમ 465, 466, 467, 468, 471, 474, 114 તથા ધી પાસપોર્ટ અધિનીયમની કલમો મુજબ ગુનો દાખલ કરવા આગળની કાર્યવાહી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને સોપેલ છે.
તપાસ ટીમ : આગળની તપાસ એસ.ઓ.જી ચલાવે છે. આ કામગીરીમાં એએસઆઈ મહેબુબ બેલીમ, રવિ ચાંઉ, મોહીત ગોરાણીયા, ભરત ગોહીલ, હરદાસ ગરચર, સમીર સુમારભાઇ, સરમણ સવદાસભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ દીલીપ જેઠાભાઇ, દેવાભાઇ, ડ્રાપોહેકો ગીરીશ વાજા, ચંદ્રસિહ જાડેજા વગેરે રોકાયેલ હતા. આ કેસની તપાસ એસ.ઓ.જી. પીઆઇ.આર.પી ચુડાસમા ચલાવી રહ્યા છે
37 લાખ આપી પાસપોર્ટ કઢાવ્યો : પોલીસે આરોપી પ્રતાપ કાકુભાઈ પરમારને ઝડપી લઇ પૂછપરછ કરી હતી જેમાં તેની પાસેથી ભારત ગણરાજ્યનો પાસપોર્ટ જન્મ પ્રમાણપત્ર અને ચૂંટણી કાર્ડ કોણે અને ક્યાં તથા કોની મારફત બનાવેલ છે તે બાબતે પૂછતા આરોપી પ્રતાપે જણાવ્યું હતું કે આ પાસપોર્ટ જન્મ પ્રમાણપત્ર અને ચૂંટણી કાર્ડ પોતાના જાણીતા અને દેગામ રહેતા પોલા ગોગન સુંડાવદરાએ 2021માં ફીની રકમ 37 લાખ લઈને પોતે પોલીસ ઇન્કવાયરી વગર પાસપોર્ટ તથા જન્મ પ્રમાણપત્ર તૈયાર કરી સુરત ખાતે કોઈ વ્યક્તિ પાસે બનાવ્યા હતાં અને સુરત ખાતે આપ્યા હતાં. આથી પોલીસ હવે અન્ય આરોપીની અટકાયત કરે તો સુરત ખાતેથી નકલી પાસપોર્ટનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.