પોરબંદર : સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદરનું નામ ઇતિહાસમાં ગુંડાગીરીથી પણ પ્રચલિત છે. પોરબંદરમાં હજુ પણ અસામાજિક તત્વો પોતાની ધાક બેસાડવા માગતા હોય તેમ સરેઆમ મારામારી કરી પોરબંદરને બદનામ કરી રહ્યા છે. ત્યારે પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલ ગ્રીન વેલી સોસાયટીમાં ચાર દિવસ પૂર્વે 7 શખ્સોએ નજીવી બાબતમાં એક પરિવારની મહિલા પર હુમલો કરી નાસી છૂટ્યાં હતાં.
નજીવી બાબતમાં મારામારી : આ બાબતનો વિડીયો સામે આવ્યો હતો ત્યારે પોરબંદર પોલીસને જાણ થતાં સાથે હુમલાખોર શખ્સોને પોલીસે પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું અને પરિવારજનોની માફી મંગાવી હતી. બાદમાં બહાર આવ્યું હતું કે શ્વાનને સાચવીને રાખવાનું કહેવાની નજીવી બાબતમાં આ મારામારીની ઘટના બની હતી.
શું હતું કારણ : પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલ ગ્રીનવેલી સોસાયટીમાં રહેતા એક મહિલાએ ચાર દિવસ પૂર્વે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ તેના દીકરાએ સોસાયટીમાં રહેતા જયમલ ભુપત કડછાને કૂતરાને સાચવીvs રાખવા કહ્યું હતું. ત્યારબાદ જયમલ ભુપત કડછા હાથમાં તલવાર લઈને તથા તેનો બાપુજી ભુપત કડછા ધોકો લઈને તથા અજય નામનો શખ્સ હાથમાં લાકડી લઈને તથા વિશાલ કેશવાલા હાથમાં ધોકો લઈને અને ધવલ તથા વિપુલ નામના બે શખ્સો હાથમાં ધોકા લઈને તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો તેઓની સાથે આવ્યા હતા અને મહિલાના ભાઈને ઢીકાપાટુનો માર મારી લાદીનો કટકો માથામાં મારી લોહીલુહાણ કરી દીધા હતાં. એટલું જ નહીં, ત્યારબાદ તલવાર અને ધોકાના ઘા મકાનના દરવાજા, જાળીમાં માર્યા હતા અને પથ્થર વડે માર્યો હતો તે વખતે પોલીસ ત્યાં પહોંચી જતાં આરોપી નાસી છૂટ્યાં હતાં.
પોલીસે તમામને પકડી કાયદાનું ભાન કરાવ્યું : પોરબંદર પોલીસે જાહેરમાં મહિલા અને તેના પરિવાર પર હુમલો કરી ધમકી આપી ભય ફેલાવનાર પિતા પુત્ર સહિતના શખ્સોને તાત્કાલિક પકડી પાડ્યાં હતાં અને ત્યારબાદ પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું હતું અને ગ્રીનવેલી સોસાયટીમાં લઈ જઈ ફરિયાદી મહિલા સહિત પરિવારજનોની માફી પણ મંગાવી હતી અને પોલીસની આ કડક કામગીરીથી ગુનાખોરીની માનસિકતા ધરાવતા ફફડાટ ફેલાઈ ગયો હતો.