પોરબંદરઃ બરડા પંથકમાં આજે બપોરે પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદ શરૂ થયો હતો તેવામાં અચાનક જ વીજળી પડતા સોઢાણા અને શીશલી ગામે 2 વ્યક્તિઓના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. મૃતકોમાં 30 વર્ષનો યુવક અને 60 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. આ બંને ઘટનાને પરિણામે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ઘટના સ્થળે જ મૃત્યુઃ બરડા પંથકમાં વીજળી ત્રાટકવાના કારણે 2 મૃત્યુ થયા હતા. સોઢાણા ગામે 60 વર્ષીય જીવાભાઈ કારાવદરા વાડીમાં બેઠા હતા. તે દરમ્યાન તેમના પર વીજળી પડી હતી. આ આઘાત એટલો જોરદાર હતો કે ઘટના સ્થળે જ જીવાભાઈનું મૃત્યુ થયું હતું. આ સિવાય શીશલી ગામના 30 વર્ષીય યુવક બાલુભાઈ ઓડેદરાનું પણ વીજળી પડતા ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લવાયા હતા. હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવ મોઢવાડિયા અને નરેશ થાનકી સહિત આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિને પરિણામે ગ્રામ્ય પંથકમાં અનેક વીજપોલ અને વીજવાયર જમીનદોસ્ત થઈ ગયા હોવાથી તાત્કાલિક સમારકામની માંગણી પણ કરવામાં આવી છે.
વળતરની માંગણીઃ પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વીજળીને કારણે પોરબંદર જિલ્લામાં એક જ દિવસમાં બબ્બે લોકોના ભોગ લેવાયા છે ત્યારે સરકારે વહેલી તકે મૃતકના પરિવારને વળતર ચૂકવી આપવું જોઈએ.
વીજપ્રપાતથી બચવાના સૂચનોઃ પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવ મોઢવાડિયાએ વીજપ્રપાતથી બચવા શું કરવું તેવા સૂચનો પણ કર્યા હતા. જેમાં આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવા ઘરની અંદર હોવ ત્યારે વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહેવું, તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો, બારી-બારણા અને છતથી દુર રહેવું, વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહેવું, ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશબેસીન વગેરેના સંપર્કથી દૂર રહેવું. આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોવ તો ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છેજેથી તેનો આશરો લેવાનું ટાળો. આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળો અને ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જાઓ, મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય.