ગાંધીનગર : વિપક્ષના નેતા તરીકે સાંસદ રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું હતું. જેમાં રાહુલ ગાંધીએ નિવેદન કર્યું હતું કે, જે પોતાને હિન્દુ કહે છે તે 24 કલાક હિંસા, હિંસા, હિંસા ઇચ્છે છે, જુઠ્ઠાણા ફેલાવે છે, તેઓ હિન્દુ નથી. રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ પક્ષ સામસામે આવ્યા છે. બજરંગ દળ અને VHP કાર્યકરોએ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
- ભાજપે રાહુલ ગાંધીને આડે હાથ લીધા
આ વિવાદાસ્પદ નિવેદન અંતર્ગત આજરોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી રજની પટેલે રાહુલ ગાંધીના નિવેદનને વખોડી કાઢ્યું હતું. રજની પટેલે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ગઈકાલે રાહુલ ગાંધીએ સંસદમાં નિવેદન આપ્યું કે, દેશમાં હિન્દુ હિંસા કરી રહ્યો છે, આ પ્રકારની વાત કરી દેશના હિન્દુ સમાજના લોકોનું અપમાન કરવાનું કામ રાહુલ ગાંધીએ કર્યું છે. હિન્દુ સમાજ સહિષ્ણુ હોય છે અને પોતે અંહિસામા માનતો હોય ત્યારે રાહુલ ગાંધીએ હળાહળ જુઠ્ઠાણુ ફેલાવવાનું કામ કર્યું છે. રાહુલ ગાંધીએ હિન્દુ સમાજને હિંસક કહ્યો તે ખૂબ ગંભીર બાબત છે. રાહુલ ગાંધીએ હિન્દુ લોકોની માફી માંગવી જોઈએ.
રજની પટેલે વધુમાં જણાવ્યું કે, દેશમાં વડાપ્રધાન મોદીએ ત્રીજી વાર શપથ લેતા દિશાહિન કોંગ્રેસ અને તેમના નેતા બોખલાઈ ગયા છે અને આવા નિવેદન કરી દેશની જનતાનું વારંવાર અપમાન કરે છે, જેને હિન્દુ લોકો ક્યારેય માફ નહીં કરે. લોકસભા ચૂંટણીમાં દેશની જનતાએ જોયું કે કોંગ્રેસના નેતાઓએ સત્તા મેળવવા દેશમાં કેવા જુઠ્ઠાણા ફેલાવ્યા હતા. કોંગ્રેસના નેતાઓની પહેલાથી તુષ્ટિકરણની રાજનીતિ રહી છે. લોકસભા ચૂંટણીમાં કોઇ ચોક્કસ કોમના લોકોના મત મેળવવા જે પ્રયાસ કર્યો, તે પણ સફળ થયો નથી. સમગ્ર દેશના લોકો રાહુલ ગાંધીના આ નિવદેનથી નારાજ છે, જેને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સખ્ત શબ્દોમાં વખોડે છે.
- કોંગ્રેસ પક્ષનો વળતો પ્રહાર
સંસદમાં હિન્દુત્વના મુદ્દે રાહુલ ગાંધીએ કરેલા નિવેદન બાદ બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેટલાક ઉગ્ર કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી હતી. જેના વિરોધમાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, ગતરાત્રે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર ભાજપ અને RSS ના ગુંડાઓએ હુમલો કર્યો છે, જે નિંદનીય છે. સરકારે દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. દેશની જનતાના મુદ્દા સંસદમાં ઉઠાવવામાં આવી રહ્યાં છે. ભાજપના નેતાઓના ઇશારે આવા હુમલા થયો છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27% OBC અનામતના મુદ્દે અમિત ચાવડાએ ફરી એકવાર સરકાર પર ગંભીર પ્રહારો કર્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યું કે, રાજ્યમાં લગભગ 6000 કરતા વધારે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં આજે વહીવટીનું શાસન છે. આમ જોવા જઈએ તો આખા ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર આજે સરકારના માનીતા વહીવટદારો દ્વારા મલાઈ મેળવવા માટે વહીવટ થઈ ગયો. ઓબીસી સમાજને કેવી રીતે અન્યાય કર્યો કે આપણે બધા જાણીએ છીએ. 2022 ના જુલાઈ મહિનામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી ઓબીસી અનામત ખતમ કરવામાં આવ્યું.
લોકો અને કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો હતો. તેથી, ઝવેરી કમિશન બનાવવામાં આવ્યું હતું. ત્રણ મહિનામાં રિપોર્ટ આપવાનો હતો, એના બદલે છ મહિના કરતાં વધારે સમય થયો હતો. વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો અને કોંગ્રેસે રસ્તા પર ઉતરીને આંદોલન કર્યું, ત્યારે સરકારે મજબૂરીમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં ઓબીસી સમાજને 27% અનામત આપવાની ભલામણ કરવામાં આવી હતી. સરકારે અનામત જાહેર કરી તેને લગભગ એક વર્ષ જેટલો સમય થયો, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં લાગતી નથી કરતી. કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તાત્કાલિક 27 % ઓબીસી અનામત લાગુ કરીને ચૂંટણી કરવાની માંગણી કરી છે.