હૈદરાબાદ: ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન યોજાશે. 26 લોકસભા બેઠકમાંથી એક લોકસભા સુરત બિનહરીફ સાબિત થતા હવે 25 બેઠકો પર મતદાન યોજાશે. લોકસભાની 25 બેઠકો પર 266 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જોકે ફક્ત 19 મહિલા જ લોકસભાની ચૂંટણી લડી રહી છે.
ભાજપ અને કોંગ્રેસ દ્વારા માત્ર 4- 4 મહિલાઓને ટિકિટ: લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા માત્ર 4- 4 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. જેમાં ભાજપ દ્વારા ચાર મહિલા ઉમેદવારો બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી, સાબરકાંઠા બેઠક પર શોભનાબેન, જામનગર બેઠક પર પૂનમબેન અને ભાવનગર બેઠક પર નીમુ બામણીયા આમ કુલ ચાર ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે જે ગત ચૂંટણીની સરખામણીમાં બે ઓછી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર, ગાંધીનગરમાં સોનલ પટેલ, અમરેલીમાં જેનીબેન ઠુંમર, દાહોદમાં પ્રભાબેન એમ કુલ ચાર ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
11 મહિલાઓની અપક્ષમાંથી ઉમેદવારી: 11 મહિલાઓએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. જેમાં બારડોલી, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, કચ્છ, નવસારી અને સાબરકાંઠા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ ગાંધીનગર બેઠક પર ત્રણ મહિલા અને સાબરકાંઠા બેઠક પર ત્રણ મહિલા ચૂંટણી લડશે. પરંતુ 25 લોકસભા બેઠક પર માત્ર 11 મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે હજી પણ મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં પક્ષો પીછેહઠ કરી રહ્યા છે. એકબાજુ જ્યારે રાજકીય પક્ષો દ્વારા મહિલા અનામત અને મહિલા સમાનતાની વાતને લઈને મત માંગવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ રાજકીય ક્ષેત્રમાં જ મહિલાઓની ભાગીદારી જોવા મળતી નથી. જાણો આ મામલે રાજકીય વિશ્લેષક જયવંત પંડયાએ ETV ભારત સાથેની વાતચીત માં શું કહ્યું ?
જીતવાની શક્યતા: દરેક પક્ષ માટે એક જ પરિબળ કામ કરતું હોય છે અને એ છે જીતવાની શક્યતા. કંઈ બેઠક પર ક્યો ઉમેદવાર જીતવાની સંભાવના ધરાવે છે. એની સ્વીકૃતિ કેટલી છે, એ કેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલો છે, ક્યાં સમાજનો છે, ક્યાં સામાજિક કાર્યો કરે છે, કંઇ બેઠક પર ક્યાં સમાજનું પ્રભુત્વ વધુ છે, જે તે ઉમેદવારની છાપ કેવી છે એના આધારે ઉમેદવાર નક્કી થતો હોય છે. અને આ જ પરિબળો મહિલા વર્ગ માટે પણ લાગુ પડે છે. મહિલા કેટલી મજબૂત છે, તેની છાપ કેવી છે, તે કેટલો પ્રવાસ કરી શકે છે આ બાબતો પણ જોવાતી હોય છે. જોકે હવે ચૂંટણીમાં ગરીબ ઉમેદવારની પસંદગી ઓછી થાય છે કારણ કે ચૂંટણી મોંઘી થતી જાય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે ટિકિટો વેચાતી હોય છે ગુજરાતમાં ભરતસિંહ સોલંકી સામે પણ આવા આક્ષેપો થયેલા છે. આપમાં પણ સંજયસિંહ સામે આવા આક્ષેપો થયેલા છે.
2029 થી અનામત લાગુ પડવાની સંભાવના: અમેરિકામાં હજુ કોઈ મહિલા પ્રમુખ નથી બની શક્યા જ્યારે આપણને મહિલા રાષ્ટ્રપતિ તરીકે પ્રતિભા પાટીલ, દ્રોપદી મૂર્મુ અને વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી મળ્યા છે. રાજકારણમાં પણ મહિલાઓને પરિવારમાંથી સમય આપવો પડે છે એટલે ધીરે ધીરે જાગૃતિ આવી છે. સ્થાનિક સ્તરે તો 33% અનામત આવી ગઈ છે એટલે એ ફરજિયાત કરવું જ પડે પરંતુ લોકસભામાં હજી આવતા વાર લાગશે. લગભગ 2029થી આ અનામત લાગુ પડવાની સંભાવના છે એટલે પછી ફરજિયાત કરવું જ પડશે.
ઘરોમાં રાજકીય પ્રભાવ: એક મહિલા જ્યારે ઉમેદવાર તરીકે ઊભી હોય અને જ્યારે એવા કિસ્સાઓ સામે આવે કે જેમના સ્થાને તેમના ઘરના સભ્યો શાસન ચલાવી રહ્યા છે ત્યારે એક મતદાર આ ઘટનાને એક વોટ સાથે કેવી રીતે જોડે છે ત્યારે આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, સરપંચ લેવલે આ કિસ્સા બને છે કે જેમાં તેમના પતિ શાસન ચલાવી રહ્યા હોય અથવા તેમના ઘરના અન્ય સભ્યો તેમની કામગીરી કરી રહ્યા હોય, તેમની ફાઈલો જોતા હોય. પરંતુ જે મતદાર છે એ ઉમેદવારને જોઈને જ મત આપતો હોય છે તેમના મગજમાં એ વસ્તુ નથી હોતી. તેઓ ઉમેદવારની છબી જોવે છે અને તેમની કામગીરીને ધ્યાનમાં રાખે છે. જો કે આની પાછળ રાજકારણમાં હોય ત્યારે તેઓ વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે ઘરના સભ્યોને આગળ કરતા હોય છે. તેમને એક શીખવાડવાનો ભાવ પણ હોય છે. જેને લઈને જ્યારે મહિલા સત્તામાં હોય ત્યારે તેમના પતિ, જમાઈ અથવા તો ઘણા કિસ્સાઓમાં એવું પણ હોય છે કે પતિ સત્તામાં હોય ત્યારે તેમની પત્ની પણ તેમની ફાઈલો જોતી હોય છે.
મહિલા મતાધિકાર: મહિલાઓને મતદાન કરવાનો અધિકાર મળ્યો એક અલૌકિક ઘટના છે. પહેલા મહિલાઓ પોતાનું નામ નોંધાવવા માટે પણ આગળ નહતી આવતી એ માટે વિશેષ અભિયાનો પણ ચલાવવામાં આવેલા. હવે ધીમે ધીમે લોકોમાં જાગૃતિ આવી રહી છે. મહિલાઓમાં મતદાન વધી રહ્યું છે. તેની અસર ચોક્કસથી આગામી સમયમાં ધીરે ધીરે દેખાશે.
અહીં અત્યાર સુધી કોઈ મહિલાને ટિકિટ નહીં: ઉલ્લેખનીય છે કે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર અત્યાર સુધી ભાજપ કે કોંગ્રેસ દ્વારા કોઈપણ મહિલાએ ટીકીટ આપવામાં નથી આવી. અમદાવાદ પશ્રિમ સિવાય અન્ય લોકસભા બેઠક ગાંધીનગર, પોરબંદર, પાટણ, પંચમહાલ, ખેડા, ભરૂચ, વલસાડ અને નવસારી બેઠક પરથી પણ ક્યારેય કોઈ મહિલા ઉમેદવાર નથી ચુંટાયા.
મુસ્લિમોનું ઘટતું રાજકીય પ્રતિનિધિત્વ: તમને જણાવી દઈએ કે આ બેઠક પર સૌથી વધારે મુસ્લિમ મતદારોની સંખ્યા છે. 2019 માં અહીં 61% મતદાન થયું હતું જેમાં 64 ટકા પુરુષો અને 56 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું. આ બેઠક એલિસબ્રજ, અમરાઈવાડી, દરીયાપુર, જમાલપુર, ખાડિયા, દાણીલીમડા ,અસારવા એમ સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં જમાલપુર ખાડિયા અને દાણી લીમડા સિવાય તમામ બેઠક ભાજપ પાસે છે.