ભાવનગરઃ શહેરમાં ધુળેટીના પર્વને લઈને ભાવનગરવાસીઓમાં વહેલી સવારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ત્યારે ભાવનગરના કોંગ્રેસના નેતા કમલેશભાઈ ચંદાણીએ જન વિકાસ પરિષદ અંતર્ગત રૂપાણી સર્કલમાં જાહેર જનતા માટે ધુળેટીથી રમવાનું આયોજન કર્યું હતું. આ આયોજનમાં ભાવનગર શહેરના યુવાન હૈયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રૂપાણી સર્કલમાં ડીજેના તાલ સાથે યુવાનોએ અને યુવતીઓએ એકબીજાને ગુલાલથી રંગીને ધુળેટી પર્વની શાનદાર ઉજવણી કરી હતી. સવારે સાત કલાકથી બપોરના એક કલાક સુધી જાહેરમાં આયોજન કરાયું હતું. જેમાં યુવાન હૈયાઓ ડીજેના તાલમાં ડાન્સ કરીને મજા પણ લૂંટી હતી.
રાજકીય ધૂળેટીઃ ભાવનગર શહેરના રૂપાણી સર્કલમાં જન વિકાસ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેની આગેવાની કોંગ્રેસના નેતા કમલેશભાઈ ચંદાણી કરી રહ્યા હતા. આ સાથે તેમના પત્ની પ્રિયંકા ચંદાણી પણ તેમની સાથે મહિલા કોંગ્રેસમાં જોડાયેલા છે. ત્યારે રૂપાણી સર્કલમાં જાહેર ધુળેટી પર્વને ઉજવણીમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના કર્મચારીઓ પદાધિકારીઓ વગેરેને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ સ્ટેજ ઉપર હાલમાં લોકસભાની આવી રહેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા ઉપસ્થિત રહેતા અનેક તર્કવિતર્ક ઊભા થયા હતા.નિમુબેનની સાથે કમલેશભાઈ ચંદાણીના પત્ની પણ સાથે જોવા મળતા રાજકીય ધુળેટી રમવાની પણ ચર્ચા જાગી હતી.
રંગોનો પર્વઃ ભાવનગર શહેરમાં શેરી ગલીઓમાં પણ નાના બાળકોથી લઈને મોટા યુવાનોએ ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. જો કે આ વર્ષની ધુળેટી પર્વમાં મોટાભાગે લોકો પાસે ગુલાલ જેવા સાદા કલરો જોવા મળતા હતા. ત્યારે આ વર્ષની ધુળેટી પર્વમાં પાકા કલરનું સ્થાન ધીરે ધીરે ઓછું થતું હોય તેવું નજરે પડતું હતું. શેરી ગલીઓમાં યુવાનો અને યુવતીઓએ એકબીજાને કલરથી રંગીને ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.