વલસાડ: શહેરમાં ફેબ્રુઆરી માસમાં સ્કૂલે ગયેલી 15 વર્ષીય દીકરી ઘરે ન પહોંચતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને શોધી કાઢવા માટે પોલીસે સતત 6 મહિના સુધી ભારે તપાસ હાથ ધરી હતી. જેમાં સુરત, જોધપુર, જયપુર અને આગ્રા સહિત અનેક જગ્યાઓ પર તપાસ કરી હતી. પરંતુ આરોપી મળ્યો ન હતો. ત્યારબાદ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સને તપાસ સોંપી હતી જેમાં તેમણે જીણવટ ભરી તપાસ હાથ ધરતા આખરે તે પંજાબના લુધિયાણા વિસ્તારમાં હોવાનું જણાય આવતા પોલીસની ટીમ ક્યારેક મજૂર તો ક્યારેક આઈસ્ક્રીમની લારી લઈ વેસ પલટો કરી વિવિધ વિસ્તારમાં ફરી આખરે તેને દબોચી લીધો હતો. અને 15 વર્ષની દીકરીને હેમખેમ લઈ આવ્યા હતા.
ફેબ્રુઆરીમાં 15 વર્ષીય બાળકીનું અપહરણ: 22 ફેબ્રુઆરી 2024 ના રોજ વલસાડ શહેરના એક જાણીતા વિસ્તારમાં રહેતા પરિવારની 15 વર્ષીય દીકરી વલસાડની એક સ્કૂલમાં અભ્યાસ અર્થે ગઈ હતી. જે બાદ તે ઘરે પરત ના આવતા તેના પિતાએ વલસાડ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા રોહિત માતાપ્રસાદ શર્મા ઉર્ફે રોહિત પંડિત (રહેવાસી ભટાર, સુરત. મૂળ રહેવાસી આગ્રા, ઉત્તર પ્રદેશ)નું અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
200 થી વધુ સીસીટીવી કેમેરા કરાયા ચેક: બાળકીના અપહરણની ગંભીર ઘટનાને લઈને વલસાડ સીટી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પોલીસે આરોપી સુરતના ભટાર વિસ્તારમાં રહેતો હતો અને પ્રથમ સુરત ભટાર વિસ્તારમાં તેમજ ત્યારબાદ સુરત રેલ્વે સ્ટેશન સહિતના અનેક વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહિતનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં આરોપી બાળકીને લઈ રાજસ્થાનની ટ્રેનમાં જતો હોવાનું બહાર આવ્યું હતું.
જયપુર અને જોધપુરમાં પોલીમના ધામા: રોહિત માતાપ્રસાદ શર્મા અગાઉ રાજસ્થાનના જોધપુર અને જયપુર વિસ્તારમાં પણ નોકરી કરી ચૂક્યો હતો. તેના નજીકના અનેક સગા સંબંધીઓને અને મિત્રોને શોધખોળ હાથ ધરી હતી અને પોલીસે રાજસ્થાનના જોધપુર અને જયપુરમાં પણ તપાસ ચલાવી પરંતુ પોલીસને ત્યાંથી કંઈ પણ હાથ લાગ્યું ન હતું પરંતુ એના સગા સંબંધીઓના મિત્ર વર્તુળના તમામના મોબાઇલ નંબરો પોલીસે એકત્ર કરી લીધા હતા.
ઉત્તર પ્રદેશમાં પણ તપાસ કરાઈ: આરોપી રોહિત માતાપ્રસાદ શર્મા ઉર્ફે રોહિત પંડિત મૂળ ચિતોરા આગ્રા ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાથી પોલીસની એક ટીમ આગ્રા ઉત્તર પ્રદેશમાં પોતાના હોમ ટાઉનમાં આરોપીની શોધખોળ કરવા માટે પહોંચી હતી. પરંતુ ત્યાંથી પણ આરોપીનો કોઈ પતો લાગ્યો ન હતો. પરંતુ તેના સગા સંબંધી મિત્ર વર્તુળ અને એના સંપર્કમાં રહેનારા તમામ લોકોના મોબાઈલ નંબરો પોલીસે મેળવીને આ તમામ નંબરોના સીડીઆરની ચકાસણી શરૂ કરી હતી.
બેંક એકાઉન્ટ પરથી લોકેશન મળ્યું: અપરણની ગંભીરતાને જોતા આરોપી રોહિત માતાપ્રસાદ શર્માના તમામ મિત્ર વર્તુળ પાસે તેને લગતી જીણામાં ઝીણી વિગતો પોલીસે મેળવી અને તે બાદ પોલીસને માલુમ પડ્યું કે આરોપી ઓનલાઈન મોબાઈલ એપમાં સટ્ટો રમતો હોવાનું બહાર આવ્યું છે. જેને લઈને ઓનલાઈન ગેમમાં તેનો બેંક એકાઉન્ટ નંબર લિંક હોવાથી એ કોઈપણ સ્થળેથી તે ઓપરેટ કરે અથવા તો નવું એકાઉન્ટ ખોલાવી શકતો હોય તેથી તે દિશામાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.
પત્ર દ્વારા કરાઈ જાણ: આરોપી સુધી પહોંચવા માટે પોલીસે ભારતની તમામ બેન્કોને આરોપી બેન્ક એકાઉન્ટ ખોલાવે અથવા તો તેનું એકાઉન્ટ ઓપરેટ કરે તે બાબતે પત્ર દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી. જે બાદ એક જગ્યા ઉપરથી તેનું એક એકાઉન્ટ ઓપરેટ થઈ રહ્યું હોવાનું બહાર આવ્યું હતું અને તે બાદ તેનું લોકેશન પંજાબમાં હોવાનું જણાય આવ્યું હતું
પોલીસની ટીમ પંજાબ રવાના થઈ: આરોપીનું સંભવિત લોકેશન પંજાબના લુધિયાણા વિસ્તારમાં આવેલી જીઆઇડીસીમાં હોવાનું જણાય આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરવા માટે વેશ પલટો કર્યો હતો. અને વેશ પલટો કર્યા બાદ સતત પાંચ દિવસ સુધી પોલીસે gidc ના વિવિધ વિસ્તારમાં ફરી આરોપીની શોધ ખોળ હાથ ધરી હતી.
પોલીસે કર્યો વેશ પલટો: વલસાડ સીટી પોલીસની રવાના થયેલી ટીમના સભ્યોએ 25 જેટલા નાની મોટી કંપનીઓમાં આઈસ્ક્રીમની લારી ભાડે રાખી એરિયાનો વેશ ધારણ કર્યું. મજૂર બની અલગ અલગ કંપનીમાં કામ માંગવાના બહાને સતત ત્રણ દિવસ સુધી વોચ રાખતા આરોપીને માલવા ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતો હોવાનું શોધી કાઢ્યું હતું.
ગુજરાત પોલીસે પોતાની ઓળખ ક્ષતિ ન થાય એવી રીતે રહેણાંકના સરનામાની માહિતી મેળવી પંજાબ સરકારના વોટર આઇડી કાર્ડ બનાવતા સરકારી કર્મચારીઓનો વેશ ધારણ કરી આરોપીના રહેણાંક વિસ્તારમાં લગભગ 50 જેટલી ચાલી પ્રકારના મકાનોમાં વોટર આઇડી બનાવવાનો ડેટા એકત્ર કરવાના બહાને આરોપીનું મકાન તથા આરોપી તેમજ અપહરણ થનાર બાળકીને વેરીફાઇ કરી શોધી કાઢી હતી. આમ વલસાડ પોલીસે 6 માસથી વર્ણ શોધાયેલી બાળકીને પંજાબના લુધિયાણા વિસ્તારમાંથી આરોપી સહિત વેશ પલટો કરી દબોચી લીધો હતો પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને ખુદ પોલીસ મેળામાં વખાણ કરવામાં આવી રહી છે.