અમદાવાદ: ગત શનિવારે રાજકોટના નાના મવા સ્થિત TRP ગેમ ઝોનમાં પ્રચંડ આગ લાગી હતી જેમાં 28થી વધું લોકોના કરૂણ મૃત્યુ થયાં છે. આ ઘટનાથી ન માત્ર ગુજરાત પરંતુ આખા દેશ ચકચાર મચી ગઈ છે. આ દુર્ઘટનામાં અન્ય કેટલાંક લોકો ઈજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે.
રાજકોટ આગની ઘટનાની ચાલી રહેલી તપાસ વચ્ચે શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે. નિર્ણયની જાહેરાત કરતા રાજ્ય સરકારે કહ્યું કે, રાજુ ભાર્ગવની પોસ્ટિંગ બાકી છે, તેમની જગ્યાએ IPS અધિકારી બ્રિજેશ કુમાર ઝા લેશે.
રાજકોટ શહેરના અધિક પોલીસ કમિશનર (વહીવટ, ટ્રાફિક અને ક્રાઈમ) વિધિ ચૌધરી અને રાજકોટ ડીસીપી-ઝોન 2 સુધીરકુમાર જે દેસાઈની પણ બદલી કરવામાં આવી છે.
આ મામલામાં સરકાર દ્વારા આ પહેલા પણ જુદા જુદા વિભાગમાંથી પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં મ્યુનિસિપલ ટાઉન પ્લાનર, સિટી એન્જિનિયર, રોડ કન્સ્ટ્રક્શન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે.
સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ
- ગૌતમ જોશી - આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા
- જયદીપ ચૌધરી - આસિસ્ટન્ટ એન્જિનિયર, રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા
- એમ.આર. સુમા - નાયબ કાર્યપાલક ઈજનેર, રાજકોટ બાંધકામ માર્ગ અને મકાન વિભાગ
- વી.આર. પટેલ - પોલીસ ઈન્સ્પેક્ટર, રાજકોટ રીડર શાખા
- એન. આઈ. રાઠોડ - પોલીસ ઈન્સ્પેક્ટર, ગાંધીગ્રામ - ૨ (યુનિવર્સિટી)
- પારસ કોઠીયા - નાયબ કાર્યપાલક ઈજનેર, રાજકોટ
- રોહિત વિગોરા - સ્ટેશન ઓફિસર, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ, રાજકોટ મહાનગરપાલિકાની
સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના: આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.