સુરત: જિલ્લામાં સતત ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇને લોકો ભયમાં મુકાયા છે ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી હતી. માંગરોળ તાલુકાના તરસાડી ગામ ખાતે એક ઘરને તસ્કરએ નિશાન બનાવ્યું હતું. મકાનના પાછળના ભાગે ગ્રિલ વાળો દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાં રહેલ સોના ના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરવામાં આવતા કોસંબા પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ ચોરીની ઘટનાને અંજામ આપનાર વિશાલ ઉર્ફે વિકી અરવિંદભાઈ કોસંબીયા કોસંબા જકાત નાકા પાસે ઊભો છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. અને તેની તપાસ કરતા બે સોનાની પેન્ડલ, સોનાની ચાર વીંટી, સોનની બુટ્ટી, એપલ કંપનીનો મોબાઈલ મળી કુલ 2.50 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આરોપીએ ભૂતકાળમાં કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે, નહિ તે દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.
કોસંબા પોલીસ મથકના પીઆઈ એમ.કે સ્વામી એ જણાવ્યું હતું કે, તરસાડી ગામે બનેલ ઘરફોડ ચોરીની ઘટનાને લઈને અમારી ટીમ દ્વારા ગુનાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન ચોક્કસ ખાનગી બાતમીના આધારે આ ચોરીની ઘટનાને અંજામ આપનાર ઈસમને ઝડપી લેવાયો છે. તેઓ પાસેથી ચોરી કરેલ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.