સુરત: શહેરને ડાયમંડ સિટી તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખવામાં આવે છે, પરંતુ આ ડાયમંડ સિટીની ચમક છેલ્લાં બે વર્ષથી ઝાંખી પડી છે. ડાયમંડ ઉદ્યોગ સતત મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે અને તેના જ કારણે રત્નકલાકારો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે મંદીના કારણે રત્નકલાકારો ક્રાઇમ તરફ આગળ વધતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ત્રણ રત્ન કલાકારોએ હીરાની લૂંટનો પ્લાન બનાવ્યો અને હવે તેમને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.
મૂળ રાજકોટ જેતપુરના ખારચીયા ગામના રહેવાશી અને સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતા 35 વષીય કૃણાલભાઈ પ્રવિણભાઈ ભુવા વરાછા મીની બજારમાં દેવ ફોરપીના નામે હીરાનું કારખાનું ધરાવે છે તેમને ત્યાં બે ફોરથી મશીન ઉપર દિવસે સંદીપ અને રાતપાળીમાં હાર્દિક દિનેશભાઈ ભુવા અને રૂપેશ ભવાનભાઈ બારૈયા નામના કામદાર નોકરી કરે છે.
' જે કંઈ હોય તે આપી દો હીરાનો માલ અને પૈસા'
રાત પાળીમાં નોકરીએ આવેલા હાર્દિક અને રૂપેશ ખાતામાં કામ કરતા હતા ત્યારે મળસ્કે ત્રણ વાગ્યાની આસપાસ બે અજાણ્યા શખ્સ મોઢા ઉપર રૂમાલ બાંધીને અંદર ઘુસી આવ્યા હતા. જે પૈકી એકે છરી બતાવી જે કંઈ હોય તે આપી દો હીરાનો માલ અને પૈસા તેમ કહેતા બંને ગભરાઈ ગયા હતા અને કશું બોલ્યા નહોતા. જેથી જેના હાથમાં છરી હતી તેણે રૂપેશના ગળા પાસે છરી રાખી દીધી હતી આમ ચપ્પુની અણીએ 80 હજારની મત્તાના 120 કેરેટ હીરા તેમને આપી દીધા હતા એટલું જ નહીં લૂંટારૂ બે કારીગરના મોબાઈલ પણ લઈ ગયા હતાં અને ત્રણેય બહારથી દરવાજો બંધ કરી ભાગી ગયા હતા.
કારીગરોએ દરવાજો ખખડાવતા બાજુના કારખાનવાળાએ દરવાજો ખોલ્યા બાદ બનાવ અંગે કૃણાલભાઈ ભુવાને મિત્ર મારફતે જાણ કરતા તે દોડી આવ્યા હતા. તેમણે ઓફિસ અને બિલ્ડીંગના સીસીટીવી કેમેરા જોયા તો તેમાં 20થી 25 વર્ષના ત્રણ અજાણ્યા પૈકી બે 3.34 કલાકે ઓફિસમાં પ્રવેશતા અને બાદમાં અન્ય એક પ્રવેશતો નજરે ચઢ્યો હતો.
આ બનાવ અંગે કૃણાલભાઈએ વરાછા પોલીસને જાણ કરતા વરાછા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને કૃણાલભાઈની ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે ત્રણેય લૂંટારુને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.