અમદાવાદ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રૂપિયા 85 હજાર કરોડથી વધારેનાં મૂલ્યનાં રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યાં હતાં. PM મોદી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટનાં વિવિધ મુખ્ય વિભાગો દેશને અર્પણ કરવા સાથે વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલી દેશભરની કુલ 10 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. તેમણે અમદાવાદ ખાતે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના ઓપરેશન કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીના આગમનને લઇને સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.. સાબરમતી રેલવે કોલોની નજીક રસ્તા બંધ કરવામાં આવ્યા.. સુરક્ષાને લઈને સતત ચેકીંગ શરૂ કરાયું હતું.
પીએમ મોદીએ શું કહ્યું : પીએમ મોદીએ આજે 10 નવી વંદે ભારત ટ્રેન સહિત, 4 વંદે ભારત એક્સપ્રેસના વિસ્તાર, 2 અન્ય યાત્રી ટ્રેનો અને 7 માલગાડીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસર પર પીએમ મોદીએ જણાવ્યું હતું કે દશકાઓથી એવી માંગ હતી કે માલગાડીઓ માટે અલગ ટ્રેક હોવો જોઈએ. પરંતુ કોંગ્રેસના શાસનમાં આ પ્રોજેક્ટ લટકતો રહ્યો, ભટકતો રહ્યો અને અટવાઈ ગયો. વિકસિત ભારત માટે જે નવું બાંધકામ થઈ રહ્યું છે તે સતત વિસ્તરી રહ્યું છે. આ 2024માં અત્યાર સુધીમાં રૂ. 11 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે... આજે રૂ. 85,000 કરોડના રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
પીએમ મોદીનું વિઝન : ભારતીય રેલવેઝ ઓથોરીટીએ એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન ( EPC ) ઢબ મારફતે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં સાબરમતી, અમદાવાદ ખાતેના રેલવે સ્ટેશનના પુનઃવિકાસની પરિયોજનાનો અમલ કરાયો છે. સાબરમતી સ્ટેશનને બે સ્ટેશન તરીકે બનાવવામાં આવ્યું છે. SBI અને SBT એક જ રેલવે યાર્ડની બે બાજુઓ પર આવેલા છે. SBT વિરમગામ અને ભાવનગરથી અમદાવાદ તરફ જ્યારે SBI દિલ્હીથી અમદાવાદ અને આગળ મુંબઈ સુધીના ટ્રાફિકનું સંચાલન કરે છે. સાબરમતી રેલવે સ્ટેશનનું મુખ્ય અપગ્રેડેશન સ્ટેશન કોમ્પલેક્સ વિસ્તારને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ સાથે સંઘટિત કરવાનું અને યાત્રીઓને એકિકૃત અનુભવ પ્રદાન કરાવવાનું છે. હાલમાં, સાબરમતી રેલવે સ્ટેશન SBI પાસે 33 હોલ્ટિંગ ટ્રેનો અને 7 ઓપરેશનલ પ્લેટફોર્મ છે જ્યારે, SBT પાસે 11 હોલ્ટિંગ ટ્રેન અને 3 ઓપરેશનલ પ્લેટફોર્મ છે.
હાઈ સ્પીડ રેલવેના સ્ટેશનનું પણ આયોજન : આ ઉપરાંત 53 નંગ ક્વાર્ટરના આવાસ એકમોને 3998 ચો.મી.ના વિસ્તાર ધરાવતા આવાસીય વિસ્તારમાં સ્થળાંતર કરવાનું પણ આયોજન છે. SBI સ્ટેશન પર 20 મીટર ઊંચી છત છે જેનો ADI FOBથી દિલ્હી તરફના FOB સુધી સ્ટેશનને આવરી લેતો વિસ્તાર 29802 ચો.મી. છે. NHSRCL દ્વારા SBI ના ભાવિ પ્લેટફોર્મ 9 અને SBT ના પ્લેટફોર્મ 3 વચ્ચે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલવેના સ્ટેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત, તેના ઉત્તમ સ્થાન અને મુખ્ય વિસ્તારો સાથે સારી કનેક્ટિવિટીને કારણે મોટી સંખ્યામાં રેલવે મુસાફરોને સમાવી શકતું હોવાથી તેને એક કાર્યાત્મક રેલ્વે સ્ટેશન તરીકે વિકસાવાઇ રહ્યું છે.
મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ કેન્દ્ર : SBI બાજુ 6 VIP, 23 કાર, 46 ટુ-વ્હીલર, SBT બાજુ 4 VIP, 4 કાર, 14 ટુ-વ્હીલર જેવા વિવિધ કેટેગરીના વાહનો માટે સમર્પિત પાર્કિંગ લોટ અને રાહદારીઓની સુવ્યવસ્થિત અવરજવર માટે વિશિષ્ટ લેન બનાવઇ છે. તમામ પ્લેટફોર્મ પર 28 એસ્કેલેટર્સ, 28 લિફ્ટ્સ, 26 સીડીઓ, 2 સ્કાયવૉક્સ, 4 FOBs મારફતે ઝંઝટ-મુક્ત પ્રવેશ, યાત્રીઓ, VIP અને મહિલાઓ માટે 2 વિશાળ કોન્કોર્સ, પ્રતિક્ષાગૃહ, ગ્રાઉન્ડ ફ્લોર અને કોન્કોર્સ લેવલ્સ પર કોમર્સિયલ એરીયા માટે જોગવાઈઓ થઇ છે. તેને રેલવેઝ, સિટી મેટ્રો નેટવર્ક, હાઈ સ્પીડ રેલવે નેટવર્ક, સિટી BRT બસ નેટવર્ક અને સિટી બસ સેવાઓ જેવી પરિવહનની વર્તમાનની અને ભવિષ્યની ઢબ સાથે સાંકળવાના લક્ષ્ય સહિત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ કેન્દ્ર તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યું છે. સૂચિત ડિઝાઇન અને માસ્ટર પ્લાનનો ઉદ્દેશ્ય શહેરની લાક્ષણિકતા તેમજ ઐતિહાસિક વારસા અને મહત્વને જાળવવાનો છે. ઐતિહાસિક રીતે, સાબરમતી મહાત્મા ગાંધી અને તેમના આશ્રમ સાથે જોડાયેલું છે. સ્ટેશનની ડિઝાઇનમાં મહાત્મા ગાંધીની છબી અને તેમની સાથે સંકળાયેલ વસ્તુઓ (જેમ કે ચરખા અને ખાદીના કપડા) નો ઉપયોગ તેમના જીવન અને ઉચ્ચ સિદ્ધાંતો હાંસલ કરવા માટેના તેમના સંઘર્ષની પ્રતિકાત્મક સ્મૃતિ તરીકે કરવામાં આવ્યો છે.