જૂનાગઢઃ ગિરનાર પર્વત અને સમગ્ર અભયારણ્ય પ્લાસ્ટિક પ્રદુષણથી મુક્ત થાય તે માટે રાજ્યની વડી અદાલતમાં એક મામલો વિચારધિન છે. વડી અદાલતે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગને ગિરનાર પર્વત અને સમગ્ર અભયારણ્ય પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત બને તે માટેના અમલીકરણ માટે તાકીદ કરી છે. દેશના કાયદાને હવે કલાકારોનો પણ સાથ મળી રહ્યો છે. 5મી તારીખથી શરૂ થઈ રહેલા મહા શિવરાત્રીનો મેળામાં આવતા ભકતોને પ્લાસ્ટિક પ્રદૂષણ ન ફેલાવાની સૂચના આપતા ભીંત ચિત્રો કલાકારો તૈયાર કરી રહ્યા છે.

મેળામાં ભીંત ચિત્રોથી પ્રભાવક સંદેશ ફેલાશેઃ મહા શિવરાત્રીનો મેળો ભવનાથ ક્ષેત્રમાં આયોજીત થાય છે. આ જગ્યા પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત રહે તે માટે અલગ અલગ સંદેશો આપતા ચિત્રો જૂનાગઢના યુવાન ચિત્રકારો દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. ચિત્રોના માધ્યમથી મેળામાં આવનાર પ્રત્યેક વ્યક્તિ પોતાની નૈતિક ફરજ સમજીને પણ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવે તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરે તેવો સંદેશ ફેલાવતા ભીંત ચિત્રો બનાવવામાં આવી રહ્યા છે. ભવનાથ વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર 100 જેટલા કલાકારો દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અને અભયારણ્યનો સંદેશ આપતા ચિત્રો તૈયાર થઈ રહ્યા છે. જેમા પ્લાસ્ટિક પ્રદૂષણને કારણે આજનો ગિરનાર આવનારા સમયમાં કેવો ભયાવહ હશે તેનું સચોટ ચિત્રણ કરવામાં આવ્યું છે. ભીંત ચિત્રો માધ્યમથી પ્રત્યેક લોકોમાં પ્લાસ્ટિક ફ્રી અભિયાન વિશે જાગૃતિ ફેલાશે.

યુવા કલાકારોનો પ્રતિભાવઃ ભવનાથની ગીરી તળેટીમાં વિવિધ વિસ્તારોમાં દીવાલો પર પેઈન્ટિંગ કરીને પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અને અભયારણ્યના સંદેશા સાથે કામ કરતા યુવાન કલાકાર જયેશ રામાણીએ etv ભારત સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, અમારું આ ચિત્ર એક વ્યક્તિને પણ પ્રદૂષણ કરતું અટકાવી શકશે તો અમારી આ કલા સાચા અર્થમાં ઉપયોગી સાબિત થશે તો બીજા એક યુવાન ચિત્રકાર નેહાએ etv ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આવનારા સમયમાં પ્રદૂષણને કારણે ગિરનાર અને અભયારણ્ય કેવું બની શકે છે તેના ગંભીર દશા દર્શાવતું ચિત્ર ભવનાથમાં આવતા પ્રત્યેક વ્યક્તિની મનોદશા પર અંકિત કરવા માગીએ છીએ. જેથી કોઈપણ વ્યક્તિ પ્લાસ્ટિકનું પ્રદૂષણ કરતા પૂર્વે આ ચિત્રને એક વખત નજર સમક્ષ લાવે તો તેમની આ કલા ખરા અર્થમાં પ્રદૂષણને મુક્ત કરવા માટે ઉપયોગી બનશે.