જૂનાગઢ: 31 મેના દિવસે સંજય સોલંકી નામના દલિત યુવાન પર ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા દ્વારા તેેને માર મારીને અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દલિત યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ થતા ગણેશ જાડેજાને હાલ જૂનાગઢ જેલમાં રાખવામાં આવ્યો છે. ત્યારે આજે મુખ્ય ફરિયાદી સંજય સોલંકી સમગ્ર મામલામાં ગણેશ જાડેજાના પિતા જયરાજસિંહ જાડેજાને પણ મુખ્ય આરોપી તરીકે સામેલ કરવામાં આવે તેવી માંગ સાથેની અરજી IG અને A ડિવિઝન પોલીસને આપી છે, જેને લઈને સમગ્ર મામલામાં વધુ એક વખત નવો વળાંક આવ્યો છે.
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ અરજી: જૂનાગઢના સંજય સોલંકી નામના દલિત યુવાન પર 31મી મેના દિવસે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અપહરણ કરી તેને માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપી ગણેશ જાડેજાની સાથે અન્ય 10 જેટલા આરોપીઓને જૂનાગઢ જેલમાં રાખવામાં આવ્યા છે. જૂનાગઢ સેશન કોર્ટે ગણેશ જાડેજાની જામીન અરજી નામંજૂર કરતા હવે સમગ્ર મામલો રાજ્યની વડી અદાલતમાં વિચારાધીન છે. તેવા સમયે મુખ્ય ફરિયાદી સંજય સોલંકી દ્વારા જૂનાગઢ પોલીસને અરજી આપી છે કે, ગણેશ જાડેજાની સાથે તેના પિતા જયરાજસિંહ જાડેજાને મુખ્ય આરોપી તરીકે સામેલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
મુખ્ય ફરિયાદી દ્વારા કરાઈ અરજી: સમગ્ર મામલામાં મુખ્ય ફરિયાદી સંજય સોલંકી દ્વારા અરજીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગણેશ જાડેજાના પિતાએ જૂનાગઢના જ અન્ય એક વ્યક્તિના દોરી સંચારથી અને તેની માહિતીને આધારે તેમના પર હુમલો કરી તેનુ અપહરણ કરવામાં આવ્યું છે. જેને કારણે તેને સમગ્ર મામલામાં મુખ્ય આરોપી તરીકે સામેલ કરવામાં આવે હાલ તો અરજીને પગલે જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર મામલામાં કાયદાકીય રીતે તપાસ શરૂ કરી છે.
દલિત સમાજનું વિરોધ પ્રદર્શન: સમગ્ર મામલામાં દલિત સમાજ દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધીની એક બાઈક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોંડલમાં એક દલિત સભાનું આયોજન થયું હતું. સમગ્ર ઘટનામાં આરોપીઓ રાજકીય રીતે ખૂબ જ મજબૂત હોવાને કારણે થોડા દિવસ પૂર્વે જૂનાગઢ બાદ વિસાવદર અને ગીર ગઢડામાં પણ દલિત સમાજનું એક સંમેલન આયોજિત થયું હતું જેમાં દલિત સમાજે ધારાસભ્ય પુત્ર ગણેશની દબંગગીરી સામે અવાજ ઉઠાવવા માટે પણ કટિબદ્ધતા વ્યક્ત કરી છે. તેની વચ્ચે મુખ્ય ફરિયાદી સંજય સોલંકીએ જુનાગઢ પોલીસમાં અરજી આપીને ગણેશ જાડેજાના પિતા જયરાજસિહ જાડેજાને પણ મુખ્ય આરોપી તરીકે સામેલ કરવામાં આવે તેવી માંગ કરી છે.