જુનાગઢ: પાછલા 30 વર્ષથી વગર વરસાદે જુનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતો ઘેડ પ્રદેશ પૂરના પાણીથી જળબંબાકાર બની જાય છે. જેમાં ખેતીલાયક જમીન ધોવાઈ જવાની સાથે ગામડાના લોકોની પારાવાર મિલકતનું નુકસાન થાય છે. પરિણામે આજે પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના પ્રમુખ પાલ આંબલીયા દ્વારા જુનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને સમગ્ર ઘેડ વિસ્તારની સમસ્યાનો નિકાલ આવે રાહત આપવામાં આવે તેવી માંગ કરી છે.

ઘેડની સમસ્યાને લઈને કોંગ્રેસની રજૂઆત: પાછલા ત્રણ દસકાથી જુનાગઢ અને પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તાર વગર વરસાદે પણ પૂરના પાણીથી જળબંબાકાર બની રહ્યો છે. જેને કારણે ઘેડ વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં ઓજત અને ભાદર નદીનું પાણી ઘેડ વિસ્તારને નુકસાન કરી રહ્યું છે તેને કારણે ખેતીલાયક જમીન પણ ખૂબ મોટા પ્રમાણમાં ધોવાઈ જાય છે. ખેડૂતોની આ ત્રણ દશકા જુની સમસ્યાથી મુક્તિ મેળવવા પ્રદેશ કિસાન મોરચા દ્વારા આજે જુનાગઢ જિલ્લા કલેકટરને મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પાલ આંબલીયાએ ભાજપ પર કર્યા પ્રહાર: પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલીયાએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, "ખેતર અને ખેડૂતોના દુશ્મન તરીકે ભાજપની સરકાર અને ભાજપના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ કામ કરી રહ્યા છે. ત્રણ દશકાથી આજ પ્રકારે ઘેડ પૂરના પાણીથી બરબાદ થઈ રહ્યું છે. આ સમગ્ર સમય દરમિયાન ગુજરાતમાં ભાજપની સરકારનું શાસન જોવા મળે છે તેમ છતાં ખેડૂતોની આ સૌથી મોટી સમસ્યા અને મુશ્કેલીમાંથી બહાર કાઢવાને બદલે રાજ્યની સરકાર તેમના મળતીયાઓને આર્થિક ફાયદો કરાવી રહી છે." તેવો સનસનીખેજ આક્ષેપ પણ પાલ આંબલીયા એ કર્યો હતો.
સમસ્યામાંથી કોઈ અંતિમ નિરાકરણ નીકળે તેવી માંગ: પાલ આંબલીયાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, વર્તમાન જન પ્રતિનિધિઓ ખેડૂતોની મુશ્કેલીના સમયમાં તેમની સાથે રહેવાને બદલે તેઓ પણ પૂરમાં ફસાયા છે તેઓ ઉડાવ જવાબ આપીને આ વિસ્તારના ખેડૂતોનું એક જન પ્રતિનિધિ તરીકે પણ અપમાન કરી રહ્યા છે. ભાજપ ખેતર અને ખેડૂત વિરોધી હોવાની સાથે હવે જનતાની વિરોધી પણ બની રહી છે. પરિણામે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવીને તાકિદે ખેડૂતોને આ સમસ્યામાંથી કોઈ અંતિમ નિરાકરણ નીકળે અને ખેડૂતોને નુકસાનીનું કોઈ વળતર આપવામાં આવે તેવી માંગ પ્રદેશ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલીયાએ કરી છે.