કચ્છ: 'કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખાના' સ્લોગન સાથે કચ્છ આવતા પ્રવાસીઓનું સ્વાગત ભુજના રેલવે સ્ટેશન બહાર જ ગટરના પાણીથી કરવામાં આવતું હોય તેવો ઘાટ ભુજ નગરપાલિકાએ સર્જયો છે. ભુજમાં અંદાજિત 200 કરોડના ખર્ચે નિર્માણ પામતા આધુનિક રેલવે સ્ટેશન બહાર ગટર સમસ્યાથી યાત્રિકો અને સ્થાનિકો પરેશાન છે. પરંતુ ભુજ નગરપાલિકાની ટીમ દ્વારા હજુ સુધી કોઈ ચોક્કસ કામગીરી કરવામાં નથી આવી રહી.
રેલવે સ્ટેશન બહાર ગટરના પાણીથી લોકો પરેશાન: 'મારું ભુજ સ્વચ્છ ભુજ' આ સ્લોગન કચ્છની જનતાએ નહી. પંરતુ ભુજ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યું હતું. પંરતુ એકવાર ભુજ આવો એટલે ગટરની દુર્ગંધથી પ્રવાસીઓની સ્વાગત થઈ રહ્યું છે. કરોડોના ખર્ચે નિર્માણ પામી રહેલા આધુનિક ટેકનોલોજી સાથે ભુજ રેલવે સ્ટેશન બહાર ગટર અને ગંદગીથી કચ્છ આવતા પ્રવાસીઓ પણ પરેશાન થઈ રહ્યા છે.
ગટરના પાણીથી લોકોનું સ્વાગત થયુ: હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. તો કચ્છના સફેદ રણમાં રણોત્સવ યોજાઈ રહ્યું છે. ત્યારે દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે ભુજમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને રસ્તા ઉપર વહી રહેલા ગટરના પાણીથી લોકોનું સ્વાગત થઈ રહ્યું છે. ભુજના રેલવે સ્ટેશન પાસે જ્યાં જોવો ત્યાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. રોડ રસ્તા ગટર અને ગંદગી જ જોવા મળી રહી છે.
સ્વચ્છતા અંગેના સૂત્રો માત્ર નામના: ઠેર ઠેર ઉભરાઈ રહેલા ગટરના પાણીથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો ફેલાવાની શક્યતા પણ વધી ગઈ છે. ગટરના પાણી સાથે ખાડા હોતા વાહનચાલકોને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ સાથે જ અનેક વાહનચાલકો ગટરના પાણીમાં વાહન સાથે પડ્યા છે. ત્યારે ભુજ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા સ્વચ્છતા અંગેના સૂત્રો માત્ર નામના અને સરકારમાં સારું લગાડવા માટે જ કરવામાં આવી રહ્યું છે.
સમસ્યાથી સ્થાનિક લોકો પરેશાન: રીક્ષા ચાલક અરવિંદ પુસ્વાએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી આ સમસ્યાથી સ્થાનિક લોકો પરેશાન છે. રીક્ષાના ફેરા કરતા સમયે ગટર વાળા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. રેલવે સ્ટેશનની ગટર લાઇન ઉભરાઈ રહી છે અને પાણી જાહેર રસ્તા પર ભરાઈ રહ્યા છે. ભુજ નગરપાલિકા દ્વારા કોઈ ચોક્કસ કામગીરી કરવામાં નથી આવી રહી. અન્ય સોસાયટીમાંથી જો રીક્ષા લઈ જવામાં આવે છે. સ્થાનિકો પણ તે રસ્તાનો ઉપયોગ કરવા આપી રહ્યા નથી.
ભુજ જવું હોય તો રેલવે મારફતે ન જવું: સ્થાનિક મામદ લાખાએ જણાવ્યું હતું કે, કચ્છને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવા માટે કોઈ કમી રાખવામાં આવી નથી. ગુજરાત સરકાર દ્વારા પણ પ્રવાસનમાં વિકાસ થાય તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હાલમાં જ ભુજથી નમો મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી છે. કરોડોના ખર્ચે મોડલ રેલવે સ્ટેશન બની રહ્યું છે. પરંતુ રેલવે સ્ટેશનના માર્ગને ગટરના માર્ગ તરીકે ભુજ નગરપાલિકાના પ્રશાસને પ્રખ્યાત કર્યું છે. અગાઉ જ્યારે આવી સમસ્યાઓ થતી ત્યારે ડ્રેનેજ શાખાની ટીમો દ્વારા રાત દિવસ એક કરી સમસ્યા દૂર કરવામાં આવતી હતી. જ્યારે હાલમાં નગરપાલીકાની બોડી કોન્ટ્રાકટરના ભરોસે ચાલી રહી છે. રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીઓ હાલમાં આ ગટરના પાણીના કારણે એવી માનસિકતા લઈને જઈ રહ્યા છે. ભુજ જવું હોય તો રેલવે મારફતે તો ના જ જવું જોઈએ.
નગરપાલિકાની ડ્રેનેજ શાખાની ટીમને સૂચનો: ભુજના રેલવે સ્ટેશન પાસેની ગટરની સમસ્યા બાબતે ભુજ નગરપાલિકા ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ કચ્છમાં હાલ હાજર નથી. ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મીબેન સોલંકીએ જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકાની ડ્રેનેજ શાખાની ટીમને સૂચનો આપી દેવાયા છે. તેમજ સ્થાનિકે જઈને મુલાકાત પણ લેવામાં આવી છે અને રેલવે સ્ટેશનની ગટરની ચેમ્બરમાંથી પાણી બહાર નીકળી રહ્યા છે. જે સમસ્યાનો નિવારણ લાવવા ભુજ નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચો: