સુરત: એક બાજુ સરકાર સરકારી યોજનાઓનો લાભ લેવા લોકોને અપીલ કરી રહી છે પરંતુ અધિકારીઓની આળસના કારણે લાભાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી હતી.
ઉમરપાડા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાંથી આદિવાસી મહિલાઓ પોતાના બાળકો સાથે કુટુંબ નિયોજનના ઓપરેશન માટે સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે સવારથી આવી ગઈ હતી. તેઓને સવારે આઠ વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ સાંજ સુધી ડોક્ટરોની ટીમ નહીં આવતા મહિલાઓ અને તેના નાના બાળકોની હાલત કફોડી બની હતી. હોસ્પિટલમાંથી ડોક્ટરો થોડીવારમાં આવશે તેવું જણાવતા જણાવતા સાંજ પડી ગઈ હતી.
આખો દિવસ બાળકો સાથે પીવાના પાણી, ચા-નાસ્તાની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલી મહિલાઓ અને બાળકોની હાલત કફોડી બની હતી.
સામાજિક આગેવાન અને બિરસા દેવ સેનાના અધ્યક્ષ અરવિંદ વસાવાએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે ફરજ પરના સરકારી ડોક્ટરો પોતાની મનમાની કરી રહ્યા છે. તેઓની ફરજમાં બેદરકારીનો અમારી પાસે બોલતો પુરાવો છે. આ ગંભીર બેદરકારી માટે તેઓ વિરુદ્ધ અમે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીશું અને શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે. આદિવાસી વિસ્તારના દર્દીઓના આરોગ્ય સાથે ખીલવાડ કરતા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. હવે આવી ગંભીર બેદરકારીઓને માફ કરી શકાય નહીં. આરોગ્ય વિભાગના રાજ્ય અને જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
ત્યારે ઉમરપાડા તાલુકા આરોગ્ય વિભાગની બેદરકારીને લઇને સુરત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે જરૂરી સૂચનો કર્યા હતા. સુરત જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલ એ જણાવ્યું હતું કે દર્દીઓને પડેલી હાલાકીની ઘટના અમારે ધ્યાને આવી છે. તાલુકા હેલ્થ ઓફિસરને જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. પ્લાનિંગ કરી દર્દીઓને ઓપરેશન માટે બોલવવામાં આવે તેમજ તેઓ માટે નાસતા પાણી બેડની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે તેવું કહ્યું છે.