પાટણ : આજકાલ કોઈ કારણોસર નાસીપાસ થઇ લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. પાટણ શહેરનું સિદ્ધિ સરોવર સુસાઈડ પોઈન્ટ બની રહ્યું હોય તેમ અવારનવાર જીંદગીથી નાસીપાસ થયેલા લોકો સિદ્ધિ સરોવરમાં મોતની છલાંગ લગાવી પોતાની જીવનલીલા સંકેલી લેતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. ગુરૂવારના રોજ વધુ એક વ્યક્તિએ અગમ્ય કારણોસર સિદ્ધિ સરોવરમાં મોતની છલાંગ લગાવી પોતાની જીવન ટૂંકાવ્યું હતું.
સિદ્ધિ સરોવરમાં મોતની છલાંગ : આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં કોઈ વ્યક્તિએ અગમ્ય કારણોસર પોતાના જીવનથી નાસીપાસ થઇ મોતની છલાંગ લગાવી હતી. આ અંગેની જાણ પાલિકાના કોર્પોરેટર દેવચંદભાઈ પટેલને થતા તેઓએ તાત્કાલિક આ બાબતે પાલિકાના ફાયર વિભાગને માહિતી આપી હતી.
મૃતદેહ મળ્યો : ફાયર વિભાગના કર્મચારીઓ સિદ્ધિ સરોવર ખાતે દોડી આવી સરોવરમાં છલાગ લગાવનાર ઈસમનો મૃતદેહ શોધી પાણીમાંથી બહાર કાઢ્યો હતો. આ બનાવની પોલીસને જાણ થતાં તેઓ પણ સ્થળ પર આવી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવાન દિકરાનો મૃતદેહ જોઈ પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું.
મૃતકની ઓળખ : સિદ્ધિ સરોવરની પાછળના ભાગેથી એક બેગ મળી આવી હતી. તેની તપાસ કરતા મૃતકની ઓળખ રવિ ચિમનલાલ મોદી તરીકે થઈ હતી. મૃતક સાલવીવાડો, ત્રિશેરીયુ, રામપુરાના રહેવાસી અને પાટણ નજીક આવેલ એમ.આર.કે. હેલ્થ કેરમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યુ હતું.
ફેનસીગ કરવા અંગે રજૂઆત : નોંધનીય છે કે. પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં અવારનવાર બનતા આત્મહત્યાના બનાવોને રોકવા પાલિકાની સામાન્ય સભામાં અનેક વખત આ વિસ્તારના નગરસેવકો દ્વારા સરોવર ફરતે ફેનસીગ તાર વડે સુરક્ષા વધારવાની સાથે સરોવર ઉપર જરૂરી ચોકિયાતને ફરજ સોંપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.