પાટણઃ સમી તાલુકાના દાદર ગામેથી પસાર થતી બનાસ નદીના પટમાં ચાલી રહેલ ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું છે. ગાંધીનગર વિજિલન્સ ટીમે બાતમી આધારે રેડ કરીને આ રેતી ખનન ઝડપી લીધું છે. આ રેડને પરિણામે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ભૂ ખનન માફિયામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર વિજિલન્સે રેડ કરીઃ સમીના દાદર ગામે બનાસ નદીમાં ગેરકાયદેસર રેતી ખનનની બાતમી ગાંધીનગર વિજિલન્સને મળી હતી. આ બાતમીને આધારે ગાંધીનગર વિજિલન્સે રેડ કરીને સમગ્ર રેતી ખનન ઝડપી લીધું છે. આ રેડમાં કુલ 9 જેટલા ડમ્પર્સ અને બીજી અન્ય મશિનરી ઝડપાઈ છે. હાલ આ મુદ્દામાલ સમી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યો છે. જો કે વિજિલન્સ ટીમના અધિકારીઓએ હાલ કામગીરી ચાલુ હોવાનું કારણ દર્શાવી કેટલા રૂપિયાની ખનીજ ચોરી થઈ છે તે જાહેર કર્યુ નથી.
ભૂ ખનન માફિયા બેફામઃ પાટણ ખાણ ખનીજ વિભાગ કોઈ નક્કર કામગીરી કરવામાં નહિ આવતા આવા ભૂ માફિયાઓ બેફામ બન્યા છે. તેઓ કોઈપણ પ્રકારની રોયલ્ટીભર્યા વિના બેફામ રેતી સપ્લાય કરી રહ્યા છે. ત્યારે સમી તાલુકાના દાદર ગામમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેની બાતમી ગાંધીનગર વિજિલન્સની ટીમને મળતા ગત મોડી રાત્રે દાદર ગામે નદીના પટમાં ઓચિંતી રેડ કરી હતી. રેડ દરમિયાન નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ભરેલા 9 ડમ્પરો અને મશીનરી મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ સમી પોલીસ મથકે જમા કરાવ્યો છે. વધુમાં પાટણ ખાણ ખનીજ વિભાગની ટીમને સાથે રાખી વિજિલન્સના અધિકારીઓએ જીપીએસના આધારે નદીમાં માપણી કરવાની કામગીરી હાથ ધરી છે.