પાટણ: તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના એક જાહેર કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મંત્રી રઘુ રાજ સિંહ દ્વારા વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધી વિશે ટીકા ટિપ્પણી કરી તેઓને આતંકવાદી તરીકે ઉલ્લેખ કરી જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ચિમકી ઉચ્ચારતા સમગ્ર દેશમાં અને કોગ્રેસમાં તેના ધેરા પ્રત્યાઘાત પડ્યાં છે.
ત્યારે યુપીના મંત્રી દ્વારા કરાયેલા આવા ગંભીર પ્રકારના નિવેદનને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સખ્ત શબ્દોમાં વખોડી શુક્રવારે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ભાજપના મંત્રી સહિત ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું હતું.
પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલ સાથે સિધ્ધપુરના પૂવૅધારાસભ્ય સહિત કોંગ્રેસ આગેવાનો, કાર્યકરોએ જિલ્લાપોલીસ વડાની કચેરી ખાતે યુપી ભાજપના મંત્રી રઘુરાજ સિંહના રાહુલ ગાંધીને કહેલા આતંકવાદી વાળા નિવેદનને લઈ વિવિધ પ્લેકાડૅ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. તેમણે એલસીબી પીઆઈને આવેદનપત્ર આપી ભાજપ મંત્રી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માગ કરી હતી.