પાટણ : હારીજ નજીક કુરેજા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં મૃતદેહ મળી આવવાનો સિલસિલો યથાવત છે. મંગળવારના રોજ કુરેજામાં નર્મદાની મુખ્ય કેનાલમાં પ્રેમી પંખીડાનો દુપટ્ટો બાંધેલી હાલતમાં તરતા મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી છે. બનાવના પગલે પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને બંને મૃતદેહ બહાર કાઢી પંચનામું કરી પીએમ અર્થે ખસેડ્યા છે. ઉપરાંત મૃતદેહની ઓળખ કરવા માટે તપાસ કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
કેનાલમાં મળ્યાથી મળ્યા બે મૃતદેહ : બનાવની મળતી માહિતી મુજબ મંગળવારના રોજ કુરેજા કેનાલમાંથી યુવક-યુવતીનો મૃતદેહ મળી આવ્યા હતા. જેની જાણ સ્થાનિક લોકોને થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. બનાવના પગલે ડિઝાસ્ટર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની મદદથી બન્ને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું : પોલીસે બંને મૃતદેહનું પંચનામું કરી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકોની ઓળખ વિધિ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર મૃતકમાં પાટણના 19 વર્ષીય યુવક રાવળ ઋતિકભાઈ બાબુભાઈ તથા 16 વર્ષીય યુવતી સિહોરીની વતની અને પાટણમાં રહે છે. બંને પાટણની રાજહંસ સોસાયટીમાં રહે છે. આ પ્રેમી પંખીડાએ કમર પર દુપટ્ટો બાંધી કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું.
આ પણ વાંચો: