પાટણ: શહેરના હાર્દ સમા બગવાડા દરવાજા ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સામૂહિક રીતે ધુળેટી પર્વની ઉજવણી નિમિત્તે રંગોત્સવ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. બગવાડા દરવાજા ખાતે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ લોકસભા બેઠકના ઉમેદવાર ચંદનજી ઠાકોર,પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઇ દેસાઈ પર રંગબેરંગી કલરો છાંટી રંગોત્સવની ઉજવણી કરી હતી.
ચંદનજી ઠાકોરે શુ કહ્યું: લોકસભા બેઠકના ઉમેદવાર ચંદનજી ઠાકોરે કોંગ્રેસ કાર્યકરો સહિત મતવિસ્તારના તમામ લોકોને ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે શહેરના બગવાડા દરવાજા ખાતે મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસ સાથે રંગોત્સવના પર્વમાં જોડાયા છે. લોકોના ચહેરા પર ઉત્સાહ અને આનંદનો રંગ છે, જે આગામી સમયમા કોંગ્રેસનો રંગ લાવશે.
કિરીટ પટેલે શું કહ્યું: પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત રંગોત્સવ કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ જોડાયા હતા અને લોકસભા બેઠકના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ધુળેટીના રંગે રંગ્યા હતા. કિરીટ પટેલે જિલ્લાના રહેવાસીઓને હોળી-ધુળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યુ કે, રંગોના પર્વ હોળી-ધૂળેટીમાં તમામ સમાજના લોકો એક થઈ રંગોત્સવની ઉજવણી કરે છે તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ દેશને તોડવાની વાત કરી છે. ધર્મ-ધર્મ વચ્ચે અને સમાજ-સમાજ વચ્ચે વિગ્રહ પેદા કરવાની વાતો કરી છે ત્યારે બગવાડા દરવાજા ખાતે સામુહિક રીતે ધુળેટી પર્વનું આયોજન કરીને કોંગ્રેસે લોકોને જોડવાનું કાર્ય કર્યું છે.
પાટણ અવનવા રંગોથી રંગાયુ: વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે હોળી પ્રગટાવી આસુરી શક્તિઓનો નાશ કરવામાં આવે છે અને બિજા દિવસે ધુળેટીનો રંગોત્સવ તહેવાર ઉજવવામાં આવે છે. પાટણમાં ધુળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રંગોત્સવના પર્વમાં પાટણ શહેર જાણે અવનવા રંગોથી રંગાઇ ગયું હોય તેવો માહોલ ઠેરઠેર જોવા મળ્યો હતો.