પાટણ : પાટણ શહેરના ખાન સરોવર પાસેની ઇદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી એકબીજાને ગળે વળગી ઈદની મુબારક પાઠવી હતી. તો કેટલાક હિન્દુ મિત્રોએ પણ પોતપોતાના મુસ્લિમ મિત્રોને ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે મુબારકબાદી પાઠવી હતી.
રમઝાન ઈદની ઉજવણી : સિદ્ધિ સરોવર પાસે સ્થિત ઇદગાહ ખાતે મૌલાના સિદ્દી કે ઈદની નમાઝ પઢતા મુસ્લિમ સમાજને સંબોધતા જણાવ્યું હતું કે, ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સાહેબ, હઝરત અલી અને સૂફી સંતો એવા વલી અલ્લાહે બતાવેલા પ્યાર, મહોબ્બત, અમન, શાંતિના રસ્તે ચાલી બંધુત્વની ભાવના વિકસાવવી એકતાને કાયમ રાખવી જોઈએ.
સૂફી સંતોની ભૂમિ-પાટણ : પવિત્ર રમજાન ઇદના મહોબ્બતના પૈગામને સાચા અર્થમાં ચરિતાર્થ કરીએ અને આપણાથી કોઈને ખોટું નુકશાન ન થાય તેની તકેદારી રાખીએ. પાટણ એ મહાન સૂફી સંતો અને વલીઓની ધરતી છે. આ સુફીસંતના વંશજ એવા સાદાતે કિરામ, સૈયદો પાટણમાં વસવાટ કરે છે. તેઓએ સમાજ અને લોકોની સુધારણા માટેનું કર્તવ્ય અદા કરવા આગળ આવી ગુમરાહથી બચાવી સાચી હિદાયત આપવા આહવાન કર્યું હતું.
રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ : ઈદની નમાઝ પૂર્ણ થયા બાદ ઇદગાહ ખાતે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્ના, સુરેશ પટેલ, ડો. નરેશ દવે, ભરત ભાટિયા સહિત રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી મુસ્લિમ બિરાદરોને ગળે મળી ઈદની મુબારક પાઠવી હતી. મૌલાના ઇમરાને સલાતો સલામ પઢી દેશની પ્રગતિ, સમૃધ્ધિ, અમન અને શાંતિ માટે દુવા કરવામાં આવી હતી.
ભાઈચારાની ભાવના સાથે ઉજવણી : પાટણ ધારાસભ્ય પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈ, લોકસભા બેઠકના ઉમેદવાર ચંદનજી ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઇદગાહ ખાતે પહોંચ્યા હતા અને મુસ્લિમ બિરાદરોને ગળે મળી ઈદની શુભેચ્છા પાઠવી હતી. પાટણ શહેર સહિત જિલ્લામાં કોમી એકતાના એખલાસ ભર્યા વાતાવરણમાં ઈદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રમજાન અને ઇદના પર્વને લઈ શહેરમાં મુસ્લિમ વિસ્તાર અને વિવિધ મસ્જિદો લાઈટ ડેકોરેશનથી ઝગમગી ઉઠયા હતા.