રાજકોટ: અસહ્ય બફારા બાદ રાજકોટ શહેરમાં આજે મેઘરાજાએ એન્ટ્રી કરી છે અને લોકોને ગરમીમાંથી રાહત આપી છે. આ સાથે જ રાજકોટ જિલ્લામાં પોપટપરા, જંકશન પ્લોટ, યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગરોડ, માધાપર ચોક, શીતલપાર્ક ચોક, અયોધ્યા ચોક, ગાંધીગ્રામ, રૈયા રોડ, રામાપીર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રવિવારની રજા અને સીઝનનો પહેલો વરસાદ થતા રાજકોટવાસીઓ વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા.
2 ઇલેક્ટ્રીક BRTS બસ પડી બંધ: પરંતુ આ વરસાદ સાથે મનપાની પોલ ખૂલી હોય એવું જણાઈ આવે છે કારણ કે, શહેરમાં માંડ 1 ઈંચ વરસાદ વરસ્યો હતો અને કેટલીય જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું. ઉપરાંત નાનામવા સર્કલના ઓવરબ્રિજમાં BRTS રૂટમાં ગોઠણ સુધી પાણી ભરાયું હતું. જેમાં BRTS બસોના ટાયર ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું હોવાથી 2 ઇલેક્ટ્રીક BRTS બસ બંધ પડી ગઈ હતી, જેથી મુસાફરો પરેશાન થયા હતા. ગોઠણડૂબ પાણીમાં બસમાંથી બહાર ઉતરીને મુસાફરોને બહાર આવવું પડયું હતું.
વરસાદી પાણી ભરાઈ ગયું હતું: રાજકોટમાં સાંજે મેઘરાજાનું આગમન થતા રીંગ રોડ, યાજ્ઞિક રોડ, ભક્તિનગર સર્કલ આસપાસ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું અને બાદમાં ધીમીધારે વરસાદ ચાલુ હતો. ભારે બફારા અને ગરમી વચ્ચે વરસાદ વરસતાની સાથે જ રાજકોટના શહેરીજનો વરસાદમાં ભીંજાવવા માટે ઘરની બહાર નીકળી ગયા હતા તો અમુક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયું હતું.