રાજકોટ: એક બાજુ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ વધી રહ્યો છે. ત્યારે બીજી બાજુ પરષોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આજે પરષોત્તમ રૂપાલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા હતા. પેલેસ રોડ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી આર્શિવાદ લીધા હતા. રૂપાલાએ આશાપુરા માતાજીને ચુંદડી ચડાવી પ્રસાદ ધર્યો હતો.
પુરુષોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં માતાજીના દર્શન કરતા હોય તેવા ફોટો સાથે પોસ્ટ પણ કરી છે. જેમાં લખ્યું છે કે, રાજકોટ ખાતે શ્રી મા આશાપુરા મંદિરે આદ્યશક્તિ માતાજીના શરણે શિશ નમાવીને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સાથે જ સ્વાવલંબી આત્મનિર્ભર મહિલા મિલનમાં મહિલાઓ સાથે ભોજન લીધું હતું.
ઉલ્લેખનીય છે કે રાજકોટના એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશેના વિવાદિત નિવેદન બાદ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિરોધ વચ્ચે રૂપાલા પ્રચારમાં લાગ્યા છે. ગઈ કાલે પરષોત્તમ રૂપાલા દિલ્હીથી પરત ફર્યા હતા. ત્યારબાદ તેમના ગાંધીનગર નિવાસસ્થાને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પોણા કલાકની બેઠક પણ યોજાઈ હતી.