રાજકોટઃ ગોંડલના ગણેશ ગઢ ખાતે મળેલા ક્ષત્રિય સમાજનાં મેળાવડામાં પરસોતમ રૂપાલાએ બે હાથ જોડીને સમગ્ર દેશના ક્ષત્રિયોની માફી માંગી છે. રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન અને ટિપ્પણી પર વિવાદનો મધપુડો છેડાયો હતો. જો કે રુપાલાએ માફી માંગી લેતા 'ક્ષમા વીરસ્ય ભૂષણમ્' અંતર્ગત ક્ષત્રિયોએ તેમને હવે માફ કરવા તેવો સૂર ઉઠ્યો છે.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં માફી વંદનાઃ ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનાં નેજા હેઠળ ભાજપનાં નેતાઓ અને રાજકીય અગ્રણીઓ જેમાં રાજ્યસભા સાંસદ અને વાંકાનેર રાજવી પરિવારનાં સભ્ય કેસરીદેવ સિંહ ઝાલા, લીંબડીના ધારાસભ્ય કિરીટ સિંહ રાણા, તેમજ પાલીતાણાનાં ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહ સરવૈયા જેવા અગ્રણીઓ હાજર હતા. આ મેળાવડામાં પરસોતમ રૂપાલાએ માફી માંગી હતી.
જડબેસલાક સુરક્ષાવ્યવસ્થાઃ રાજકોટ-ગોંડલ હાઈવેથી શેમળા અને ગણેશ ગઢ તરફ જતા રસ્તા પર સંપૂર્ણપણે કિલ્લેબંધી જોવા મળી હતી. આ તરફ જઈ રહેલાં તમામ વાહનોનું ચેકિંગ સ્થાનિક પોલીસ તેમજ જયરાજ સિંહ જાડેજાની ખાનગી સીક્યોરિટી દ્વારા કરવામાં આવતું હતું. ક્ષત્રિય મહિલાઓને આ મેળાવડામાં હાજર રહેવા માટે પરવાનગી આપવામાં આવી ન હતી. તેમજ એ રસ્તે મોટરમાર્ગે જવાનો પ્રયાસ કરનારી ક્ષત્રાણીઓને અઘ્ધ-વચ્ચે રસ્તામાં જ પોલીસ દ્વારા રોકી દેવામાં આવી હતી. ગણેશ ગઢ ખાતે રૂપાલા અને તેમનાં કાફલાનું ઢોલ-શરણાઈઓ અને નગારા સાથે ફૂલેકા સ્વરૂપે વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
મારા નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. મારા મોઢામાંથી આ નિવેદન નીકળ્યું તેનો રંજ છે. મને આજે આ વાતનો અફસોસ છે. સમાજ સામે બે હાથ જોડીને માફી માગું છું...પરસોતમ રુપાલા(રાજકોટ લોકસભા બેઠક ઉમેદવાર, ભાજપ)