સુરત: રાજકોટના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના નિવેદનને લઇ સુરત ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર પાર્ટીલે નિવેદન આપ્યું છે. પરેશ ધાનાણીએ પટેલ સમાજ અને રાજપૂત સમાજને લઈને નિવેદન આપ્યું હતું જેને ધ્યાનમાં રાખીને સીઆર પાટીલે કહ્યું હતું કે, કોંગ્રેસને રાજપૂત અને પટેલ સમાજ પાસે માફી માંગવી જોઈએ. કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને હાર જોઈને બફાટ કરી રહી છે.
કોંગ્રેસના નેતાઓનો બફાટ કરવાનો સ્વભાવ: સીઆર.પાટીલે જણાવ્યું હતું કે,કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનો એમનો સ્વભાવ છે. આજે જ્યારે એમને હાર દેખાઈ રહી છે. અને ગુજરાતમાં તમામ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે ત્યારે તેમના બોખલાહટના કારણે ગમે તેમ નિવેદન કરવા,ગમે-તેમ શબ્દ પ્રયોગ કરવા તેમનો સ્વભાવ રહ્યો છે. આપે જોયું હશે કે ક્ષત્રિય સમાજ માટે પણ રાજા-મહારાજાઓ માટે પણ રાહુલ ગાંધીએ બે દિવસ પહેલા પણ જે કહ્યું આ લોકો લૂંટ કરતા હતા જમીન લૂંટી લેતા હતા. એમને કદાચ ઇતિહાસ ખબર નથી. આખો દેશ જાણે છે કે તેમને રાજકીય ઇતિહાસ જાણવામાં કોઈ રસ નથી. એટલે જ તેઓએ આ માટે વાત કરી છે. આજે પણ આ દેશને અખંડ ભારત બનાવવા માટે જે કલ્પના હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ એ જ્યારે પહેલ નાખી ત્યારે ભાવનગરના સૌથી પહેલા રાજાએ પોતાનું રજવાડું સરકારને આપી દીધું હતું. 532 રજવાડાને અખંડ ભારતને સમર્પિત કર્યા. જેમનો સ્વભાવ લૂંટ ન હોય તેવો ક્યારેય પણ આવી રીતે સમર્પિત રહી શકતા નથી.
બંને સમાજ પાસે માફી માંગે: દેશ માટે સમર્પણની ભાવના ક્ષત્રિય સમાજની અંદર હોય છે. કોંગ્રેસને ક્ષત્રિય સમાજની કોઇ કદર નથી. તેમણે આપેલા જે વચનો હતા, એ પણ પૂરા ન કર્યા. ક્ષત્રિય સમાજ સાથે ખૂબ મોટો અન્યાય કરતા આવ્યા છે. એમને કદાચ ગુજરાત અને દેશના રાજા-મહારાજાઓનો અભ્યાસ કરવો જોઈએ. ગુજરાતના કેટલાક રાજાઓએ સારો વહીવટ કર્યો, શિક્ષણને મહત્વ આપ્યું. પટેલ સમાજમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આગેવાનોને અખંડ ભારતના સપનાનો યશ જાય છે. આવા મહાપુરુષે આ સમાજમાં જન્મ લીધો હતો. અલગ અલગ ક્ષેત્રમાં જે રીતે પટેલ સમાજે યોગદાન આપ્યું છે. આવા સમાજ માટે આવી હલકી વાત કરવી એ શોભતું નથી. કોંગ્રેસને આ બંને સમાજ પાસેથી માફી માંગવી જોઈએ. હાર અને જીત એ ચાલતી હોય છે. એમને હારવાની ટેવ પડી છે. તેઓ છેલ્લી વાર પણ હાર્યા છે અને હવે પણ હારવાના છે. અત્યારે હાર સહજતાથી સ્વીકારે એવી મારી તેમને અપીલ છે.