રાજકોટ: ઉપલેટા શહેરના ગાધામાં પારા તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ આંગણવાડીની આસપાસ ફેલાયેલા ગંદકી અને કચરાની ઉદ્ભવેલી પરિસ્થિતિને લઈને તેમના બાળકોને આંગણવાડીમાં મોકલવાનું બંધ કર્યું છે અને જ્યાં સુધી આંગણવાડી આસપાસનું તેમજ આંગણવાડીનું યોગ્ય સાફ-સફાઈ કે જાળવણી નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ પોતાના બાળકોને આંગણવાડી ખાતે નહીં મોકલે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું છે.
ગંદવાડની સાથે-સાથે મંદવાડ વધ્યો: ઉપલેટા શહેરમાં ઘણા ખરા વિસ્તારોની અંદર છેલ્લા ઘણા સમયથી પાલિકા તંત્રની સ્વચ્છતાની કામગીરી સાવ ખાડે ગઈ હોવાનું જોવા મળે છે. તેમજ યોગ્ય મેનેજમેન્ટ ન હોવાને કારણે જ્યાં ત્યાં ગંદકી વાળો, પાણી ભરાવું, કાદવ કીચડ થવો અને મચ્છર જન્ય રોગો વધવાના કેસો સામે આવી રહ્યા છે ત્યારે આ પ્રકારની સમસ્યાઓને લઈને સ્થાનિક લોકો છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક જરૂરિયાતો અને સુવિધાઓથી વંચિત રહેતા હોય તેવી અનેક બાબતો સામે આવી છે. ઉપલેટાના ગાધાના પારા વિસ્તાર તરીકે ઓડખાતા વિસ્તારના લોકોના જણાવ્યા પ્રમાણે સ્વચ્છતા માટેની કચરો કલેક્શનની ગાડી ઘણા દિવસથી નથી આવી રહી તેવી ફરિયાદ કરી છે જેના કારણે આ વિસ્તારમાં ગંદવાડની સાથે-સાથે મંદવાડ પણ વધી રહ્યો છે.
સ્થાનિકોને હેરાનગતિ: ઉપલેટા શહેરમાં ગાધાના પારા વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં એક આંગણવાડી આવેલી છે. જે આંગણવાડીના કેન્દ્ર નંબર 10 છે. આ આંગણવાડીની આસપાસના દ્રશ્યો પરથી અંદાજ લગાવી શકાય છે કે અહીંયા આંગણવાડીની આસપાસ અઘોચર, ગદવાડ, જાડી-જાખરા જોવા મળે છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારના લોકોએ પશુઓ બાંધવા માટેની મસ્ત જગ્યા બનાવી લીધી હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે આ મામલે સ્થાનિકો છેલ્લા છ એક મહિનાથી ત્રસ્ત છે.
આ બાબતને લઈને આ વિસ્તારના વાલીઓએ પોતાના કુમળા ફૂલ જેવા બાળકો કોઈ ગંભીર બીમારી કે મચ્છરજન્ય અને ગંધવારને લઈને બીમારીનો ભોગ ન બને તે માટે સતર્કતાના ભાગરૂપે પોતાના બાળકોને આંગણવાડી ખાતે મોકલવાનું બંધ કર્યું હોવાનું સામે આવ્યું છે અને સાથે જણાવ્યું છે કે, જ્યાં સુધી આંગણવાડી તેમજ આસપાસના વિસ્તારમાં થયેલ દબાણ કે બીમારી ફેલાતું વાતાવરણ દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી વાલીઓ તેમના બાળકોને આ આંગણવાડી ખાતે નહીં મોકલે.
તંત્ર યોગ્ય કામગીરી કરે તેવી માંગ: ઉપલેટા શહેરની અનેક આંગણવાડીઓ અને તેમની આસપાસ ગંદકી વાળો જોવા મળે છે ત્યારે ઉપલેટા શહેરમાં આવેલ આંગણવાડીઓના જવાબદાર સુપરવાઇઝર તેમજ ઉપલેટાના મુખ્ય અધિકારી પોતાની જવાબદારી અને આસપાસના સ્વચ્છ વાતાવરણ પ્રત્યે આળસુ હોય અને તેઓ પણ પોતાની જવાબદારીમાં યોગ્ય ફરજ ન બજાવતા હોવાની પણ નાગરિકો ચર્ચાઓ કરી રહ્યા છે અને પરિસ્થિતિ પરથી તો આ બાબતો પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. ત્યારે આંગણવાડીના જવાબદાર અધિકારીઓ અને સ્થાનિક જવાબદાર તંત્રના અધિકારીઓ આ મામલે કુમળા ફૂલ જેવા બાળકોની અને સ્થાનિક લોકોના આરોગ્યની વધુ સમસ્યા ન ઉદ્ભવે તે માટે પોતાની નૈતિક જવાબદારી નિભાવે તે પણ જરૂરી જણાઈ આવે છે.
વાલીઓ તેમના બાળકોને આંગણવાડીમાં નહીં મોકલે: અહીંયા આવેલી આંગણવાડીની પરિસ્થિતિ જોતા એવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે કે જ્યાં આંગણવાડીની દીવાલો પર મોટી-મોટી તિરાડો પડી ગઈ છે અને આંગણવાડી પણ જર્જરિત અને ભેજવાળા વાતાવરણમાં દૃશ્યમાન થઈ રહી છે. આ બાબતે જવાબદાર તંત્ર કુમળા ફૂલ જેવા બાળકોની ચિંતા અને અહિયાના સ્થાનિક લોકોની સમસ્યા દૂર કરવા માટે જાગે છે કે પછી હજુ પણ વધુ ગંદવાળ ફેલાવવા માટે નિંદ્રાધીન બની રહે છે તે તો આવતા સમયની અંદર જ ખ્યાલ આવશે. પરંતુ વર્તમાન સમયની અંદર મચ્છરજન્ય રોગો જેમાં ખાસ કરીને ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા અને સૌથી વધુ જીવલેણ એવો ચાંદીપુરા વાયરસ ખૂબ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે આ પ્રકારની ગંદકીને લઈને માતા-પિતાએ અહીંયા પોતાના બાળકોને આંગણવાડી ખાતે મોકલવાનું બંધ કર્યું છે અને યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી વાલીઓ તેમના બાળકોને આંગણવાડી ખાતે નહીં મોકલે તેવું જણાવ્યું છે.