બનાસકાંઠા: જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલું એક એવુ પૌરાણિક મંદિર કે જેનો ઇતિહાસ ફક્ત પાલનપુર કે બનાસકાંઠા જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં વિખ્યાત છે. મંદિરની મહત્વતા એવી છે કે, આ મંદિરમાં શિવલિંગ રૂપી ભગવાન ભોળાનાથ જમીનથી 51 ફૂટ ઊંડે બિરાજે છે તો આ મંદિરનું શિખર જમીનથી 51 ફૂટ ઊંચું છે.આ મંદિરનું શિવલિંગ જમીનથી નીચે એટલે કે પાતાળમાં આવેલું હોવાથી આ મંદિરને પતાળેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે.
મંદિરનો ઇતિહાસ: હાલ જ્યાં પાતાળેશ્ચર મંદિર આવેલું છે. ત્યાં વર્ષો પહેલા ઘોર જંગલ હતું. જ્યાં એક તપસ્વી સાધુનો આશ્રમ હતો. તે સમયે પાટણમાં કરણસિંહ નામના રાજા હતા. તેમની રાણી મીનળદેવીને સંતાન રહેતું ન હતુ. તો રાજાએ બીજી રાણી સાથે લગ્ન કર્યા. યુગોનોયુગ રાણી મીનળદેવીને તેના થોડા દિવસોમાં જ ગર્ભાધાન રહ્યું. ત્યારે તે વખતે રાજાએ કરેલી નવી રાણીને આ ગમ્યું નહિ એટલે તે રાણીએ તે વખતે એક તાંત્રિક પાસે મીનળદેવીના ગર્ભનું બંધન કરાવ્યું . કે જેનાથી મીનળદેવીને સંતાન પ્રાપ્ત થાય જ નહીં. ત્યારે સમય જતાં નવ મહિના વીત્યા પણ મીનળદેવીને ગર્ભાધાન ન થયું અને મીનળદેવીની હાલત લથડવા લાગી. ત્યારે મીનળદેવીએ નક્કી કર્યું કે, હવે મોતને વ્હાલું કરવું છે. તો હરિદ્વાર જઈને મરું. ત્યારે પાટણથી નીકળી મીનળદેવી પાલનપુર પહોંચ્યા અને હાલ જે મંદિર છે ત્યાં પહોંચ્યા.
જ્યાં આશ્રમમા તપસ્વી સાધુ સાથે સમગ્ર વાત કરી ત્યારે તપસ્વી મહાત્માએ જણાવ્યું કે, તમારું ગર્ભ બંધન કરાવ્યું છે. એટલે પ્રસૂતિ થતી નથી.તો મીનળદેવીએ મહાત્મા પાસે આનો કોઈ રસ્તો શોધી આપવા વાત કરતા મહાત્માએ કહ્યું કે તમે જુઠ્ઠું બોલી અને જાહેરાત કરિદો કે મારે પુત્ર જન્મ થયો છે. ત્યારે આ વાત પાટણમા રાજાની બીજી રાણી પાસે પહોંચી અને બીજી રાણી સીધી તાંત્રિક પાસે પહોંચી. તાંત્રિકને પૂછ્યું કે આ કઈ રીતે બન્યું તે બાબતે પૂછતાં તાંત્રિકએ પોતાની કરેલી વિધી માટે જમીનમાંથી એક માટલું કાઢી તેની અંદરથી દેડકો બહાર કાઢ્યો ત્યારે તેજ વખતે મીનળદેવીને પાલનપુરમા 18 મહિને પુત્રનૉ જન્મ થયો. મીનળદેવી ખુશ થઈ તે જ જગ્યાએ વાવ ખોદાવવાનું જણાવ્યું અને વાવ ખોદતી સમયે ત્યાંથી એક શિવલિંગ મળી આવ્યું તો મીનળદેવીને આ જગ્યા ચમત્કારી લાગી અને તેમને આ શિવલિંગની પૂજા કરી અને ત્યાં વાવ નહિ પણ મંદિર બનાવવાનું નક્કી કર્યું. ત્યારથી જ પાતાળેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ થયું. તે પછી મીનળદેવી પાટણ ગયા અને સમય જતા તેમના પુત્ર મોટા થયા. જે હતા સુપ્રસિદ્ધ રાજા સિદ્ધરાજ જયસિંહ બન્યા.
વર્ષોથી મંદિરમાં ભક્તોની શ્રદ્ધા: આ મંદિરના શિવલિંગ નીચેથી એક સુરંગ સીધી પાટણ નીકળે છે. જેને વર્ષો પહેલા બંધ કરી દેવાઈ છે. અહીં મહાદેવના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવે છે. આ મંદિરનો જીણોદ્ધાર 1980માં થયો. સદિયો પુરાના આ મંદિરની ખ્યાતિ દિન પ્રતિદિન વધી રહી છે.આ પાતાળેશ્વર મંદિરના દર્શનથી જ ભક્તોના કષ્ટ દૂર થઈ જાય છે. શિવના નામથી જ આત્માને તૃપ્તિ મળી જાય છે.ભક્તો દૂરદૂરથી આવીને શિવની પૂજા કરીને બીલીપત્ર ચડાવી શિવની કૃપા મેળવે છે. આ પાતાળેશ્વર મહાદેવના મંદિરમાં સવાર સાંજ રોજ આરતી થાય છે. અને ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. શિવરાત્રીને દિવસે અહીં મેળો ભરાય છે અને ભક્તો દૂર દૂર થી શિવજીના દર્શન કરવા ઉમટી પડે છે.
શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓની ભીડ: મહત્ત્વની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લો છે, જેમાં મોટા પ્રમાણમાં શિવાલયો આવેલા છે પરંતુ આ તમામ શિવાલયોમાં પાતાળેશ્વર મહાદેવ મધ્યમાં આવેલું છે અને પૌરાણિક ઈતિહાસ ધરાવતું મંદિર છે. જેને લઈ આ મંદિર જિલ્લાના મુખ્યમથક પાલનપુરના જોવાલાયક સ્થળોમાનું એક છે.બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત કે આંતર રાજ્યોમાંથી આવતા લોકો પાલનપુરમાં આવેલા આ પાતાળેશ્વર મહાદેવના મંદિરને નિહાળી ભગવાન ભોલેનાથના દર્શન કરવા અવશ્ય પધારે છે અને શ્રાવણ માસમાં તો આ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે.