વલસાડ : જગતનો તાત જેની અધીરાઈથી વાટ જોતો હતો તે સમય આવી ગયો છે. વલસાડ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. આ સાથે જ ડાંગરના ખેડૂતોના હરખનો પાર નથી. નોંધનીય છે કે, જિલ્લામાં 37 હજારથી વધુ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે.
જિલ્લામાં ડાંગરનું વાવેતર : વલસાડ જિલ્લામાં આદિવાસી સમાજના મોટાભાગના લોકો ડાંગરની ખેતી કરતા આવ્યા છે. અહીં ડાંગરની ખેતીનો મૂળ આધાર પાણી છે. વરસાદી પાણી પર જ મોટાભાગના ખેડૂતો ડાંગરની ખેતી કરે છે. એટલે કે જો વરસાદ ખેંચાય તો ખેતીના પાકને તેની સીધી અસર થાય છે. જોકે હાલમાં સમયસર ચોમાસુ જામ્યું છે, જેને પગલે વલસાડ જિલ્લામાં 37,000 હેક્ટરમાં ડાંગરનો પાક જોવા મળે છે.
પારડીમાં 16 mm વરસાદ : વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારે 6:00 વાગ્યાથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ વિવિધ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં પારડી તાલુકામાં સવારે 6 થી 8 દરમિયાન 16 mm જેટલો વરસાદ નોંધાયો છે. જેના પગલે અનેક નીચાણવાળા નદીના વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.
ડાંગરના ખેડૂતો ખુશખુશાલ : વલસાડ જિલ્લામાં મોટાભાગે ડાંગરના પાકનું ઉત્પાદન જોવા મળે છે. મોટાભાગના ખેડૂતો વરસાદ શરૂ થતા જ ડાંગરની ખેતી કરતા હોય છે. વરસાદ શરૂ થાય તે પૂર્વે પોતાના ખેતરની સાફ સફાઈ કરી હળ વડે ખેડીને તૈયાર કરી દેતા હોય છે. જોકે આ વખતે સમયસર વરસાદ આવતા ખેડૂતો આનંદિત છે. હાલ તમામ ગામડાઓમાં ડાંગરના પાક માટે તૈયારી કરવા ખેડૂતો ખેતરમાં ઉતરી ચૂક્યા છે.
વલસાડ જિલ્લામાં વરસાદ : ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા વલસાડ જિલ્લામાં દર વર્ષે 100 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાય છે. તેમ છતાં પણ ઉનાળા દરમિયાન અહીં પીવાના પાણીનું સંકટ જોવા મળે છે. જોકે ખેડૂતો ડાંગરની ખેતી વરસાદી પાણી પર જ કરતા હોવાથી આકાશી ખેતીને પ્રાધાન્ય આપવામાં આવે છે. આજે વહેલી સવારથી વરસાદ તૂટી પડ્યો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ડાંગરનો પાક લેનારા ખેડતો આનંદિત જોવા મળ્યા હતા.