અમરેલી: સમાજમાં સ્થાપિત સંતો,મહંતોના દેહવિલય બાદ એમની સમાધિઓ બનતી હોય છે, જ્યારે અમુક સમાજમાં આદર્શ વ્યક્તિ મૃત્યુ પામે તો તેમની સમાધિઓ અપાઈ હોવાના અનેક કિસ્સાઓ આપે સાંભળ્યા હશે કે જોયા પણ હશે.
પરંતુ અમરેલી જિલ્લાના પાડરસીંગા ગામના સંજયભાઈ પોલરા નામના વ્યક્તિએ પોતાના સ્વજનોની જેમ વ્હાલી ફોર વ્હીલ કારને જમીનમાં સમાધી આપીને એક યાદગાર અન સંભારણું બનાવ્યું છે. સંતો-મહંતો અને સગા-સંબંધીઓની વિશેષ ઉપસ્થિતીમાં સંજ્યભાઈ અને તેમના પરિવારજનોએ કારને સમાધિ આપી હતી
કારની સમાધિ: પાડરસીંગા ગામના ખેડૂત સંજય પોલરા સુરતમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમણે વર્ષ 2013-14માં આ કાર ખરીદી હતી. આ કાર ખરીદ્યા બાદ તેમની પ્રતિષ્ઠા અને પ્રગતિ થઈ હોવાનું તેઓ માને છે. પોતાની જૂની કાર વેચવાને બદલે આ કારને સમાધિ આપીને કાર પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તેથી સંતો-મહંતોની હાજરીમાં શાસ્ત્રોકત વિધિ મુજબ, વાજતે-ગાજતે સામૈયું કાઢીને કારને જાજરમાન વિદાય આપવામાં આવી. કાર પ્રત્યેની આવી લાગણીને જોવા આખું ગામ ઉમટી પડ્યું હતું. પરિવારજનો અને સ્નેહીજનોએ ફુલેકું અને રાસ રમીને કારના સમાધિ પ્રસંગના સાક્ષી બન્યા હતા.
પોતાની વાડીમાં સમાધિ અપાઈ: સંજ્યભાઈએ આ કારને મ્યુઝિયમમાં રાખવાને બદલે કે વેચવાને બદલે કારને સમાધિ આપીને આજીવન યાદગાર બની રહે તે માટે એના પર વૃક્ષનું વાવેતર કરવાનો વિચાર આવ્યો અને સગા-સંબંધીઓને કંકોત્રી મોકલી, જાણે સંતોના સમૈયાઓ કરતા હોય તેમ ગાડીના સામૈયા કર્યાને ગાડીને પોતાની જ વાડીએ સમાધિ અર્પણ કરવામાં આવી.
શાસ્ત્રોક્ત વિધિ સાથે કારની સમાધિ: સમાધિ પહેલા કારની પંડીતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવીને ગાડીને સમાધિ માટે ખાડામાં ઉતારીને જેસીબી વડે કાર પર માટી નાખીને કારને ભાવભીની સમાધિ અર્પણ કરવામાં આવી હતી. કારની સમાધિ માટે સુરત, અમદાવાદ અને અન્ય શહેરોમાંથી સંજયભાઈના સંબંધીઓ આવ્યા હતા અને આવા કાર સમાધિના પ્રસંગે અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
કારને યાદોમાં બનાવી અમર: અત્યાર સુધી સંતો-મહંતો કે અમુક સમાજમાં સ્વજનોને સમાધિઓ અપાતી હોવાના અનેક દાખલાઓ છે. પણ અમરેલી જિલ્લામાં સંજયભાઈ નામના વ્યક્તિએ પોતાના પરિવારના સભ્યની જેમ કારને વેચવા કે સાચવવા કે મ્યુઝીયમમાં સ્થાન આપવાને બદલે સમાધિ આપવાનો નવતર વિચાર આવ્યો અને પોતાની કારને પોાતની યાદોમાં અમર બનાવી દીધી. કાર પ્રત્યે તેમના આ લાગણી અને પ્રેમ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.