પાલનપુર: નગરપાલિકાની આજે સાધારણ સભામાં વિરોધ પક્ષે પાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. પાલિકા શહેરના લોકોની સુખાકારીની પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઈ હોવાના વિપક્ષે આક્ષેપો કર્યા હતા. જોકે શહેરના રોડ રસ્તા અને રખડતા ઢોર જેવા મહત્વના મુદ્દાઓ અંગે વિપક્ષની વાત ન સાંભળી શાસક પક્ષે મંજુર કહી ઠરાવો પસાર કર્યા હતા, ત્યારે વિપક્ષના સદસ્યોએ સભામાંથી વોકઆઉટ કર્યું હતું.
ભ્રષ્ટાચારના બેનર પહેરી આક્રોશ રેલી કાઢી: પાલિકામાં ભ્રષ્ટાચાર સહિતના વિવિધ મુદ્દાઓને લઈ વિપક્ષના સદસ્યો દ્વારા ભ્રષ્ટાચારના બેનર પહેરી આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. વિપક્ષ કાર્યાલયથી સીમલા ગેટ ચોકના જાહેર માર્ગ સુધી ભ્રષ્ટાચારના નારાઓની ગુંજ વચ્ચે રેલી કાઢી પાલિકા સામે વિપક્ષે સૂત્રોચાર કર્યા હતા. આ સભાને વિપક્ષે માત્ર સત્તાના જોરે તુમાખી શાહી જેવી સાધારણ સભા ગણાવી હતી, ત્યારે આજે એક પણ મુદ્દાની ચર્ચા થયા વગર આ સભા આટોપી લેવાઈ હતી અને જેનો વિપક્ષે ઉગ્ર વિરોધ કર્યો હતો.
1200 જેટલી દુકાનોના ભાડા વધારવાનો નિર્ણય: જોકે પાલનપુર નગરપાલિકાએ શહેરમાં લિજ પર આપેલી 1200 જેટલી દુકાનોના ભાડા વધારવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ વેપારીઓએ પાલનપુર પાલીકાના સત્તાધીશોને બજાર બંધ કરીને ચક્કા જામ કરવાની ધમકી આપી દેતા નગરપાલિકાએ નિર્ણય પાછો લેવો પડ્યો હતો. આ ઠરાવને આજે મંજુર કરવા માટે પ્રશ્ન બોર્ડમાં મૂકવામાં આવ્યો હતો, પરંતુ વિરોધની વચ્ચે અંતે કારોબારીમાં ફરી એકવાર પ્રશ્ન ચર્ચામાં મુકાયો છે. જોકે આ દુકાનનોના ભાડા ન વધે તો પાલનપુર પાલિકાની આવક પર અસર પડે તેવી પરિસ્થિતિ છે.
રખડતા ઢોર અને રોડ રસ્તાઓની સમસ્યાઓ: પાલનપુર શહેરમાં વર્ષોથી રખડતા ઢોર અને રોડ રસ્તાઓની સમસ્યાઓ છે. ત્યારે દર સાધારણ સભામાં વિપક્ષના હોબાળા બાદ પણ તમામ ઠરાવો બહુમતીના જોડે પસાર થઈ રહ્યા છે, ત્યારે આ સભામાં પણ વિપક્ષના વચ્ચે શહેરમાં ઠરાવો મંજૂર કરી સભા પૂર્ણ જાહેર કરાઈ હતી.