સુરત : સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીને લઈ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નિરસતા જોવા મળી છે. વર્ષ 2017 માં શરૂ કરાયેલી આ પોલિસીમાં 4 કરોડના ફંડમાંથી માત્ર 45 લાખની ગ્રાન્ટ આપી દેવામાં આવી છે. પાંચ મહિનાથી સ્કૃતિની કમિટી પણ યુનિવર્સિટી સંચાલન દ્વારા બનાવવામાં આવી નથી.
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પ્રત્યે નિરસતા : યુનિક આઈડિયાને લઈ જે બિઝનેસ મોડલ બનાવતા 35 વર્ષના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી હેઠળ ફંડ આપવામાં આવે છે. સ્ટાર્ટઅપ દ્વારા યુવાઓને રોજગાર મળી શકે એ હેતુથી આ પોલિસી શરુ કરવામાં આવી છે. પરંતુ આ પોલિસીના ઉપયોગને લઈ સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અનેક બેદરકારી પણ સામે આવી છે. આ પોલીસી હેઠળ મળનાર ફંડનો ઉપયોગ સારી રીતે કરવામાં આવ્યો નથી. છેલ્લા સાત વર્ષ દરમિયાન આ ફંડ માટે 147 જેટલી અરજીઓ મળી હતી. પરંતુ માત્ર 18 જેટલા જ લોકોને ફંડમાંથી રકમ આપવામાં આવી છે.
શું છે સ્ટાર્ટઅપ પોલિસી ? કોઈ યુવા સ્ટાર્ટઅપ શરૂ કરે અને તે સરકારના ધારાધોરણ પ્રમાણે યોગ્ય હોય તો કમિટી ફંડ માટે પરવાનગી આપતી હોય છે. પરંતુ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આ પોલિસી માટે સ્કૂટી કમિટીની રચના છેલ્લા પાંચ વર્ષથી થઈ નથી.
કેટલું ફંડ આવ્યું અને કેટલું ફાળવાયું ? આંકડાકીય રીતે જોવા જઈએ તો વર્ષ 2017 માં શરૂ થયેલી પોલિસી હેઠળ વર્ષ 2019 માં કુલ રુ. 22 લાખની ફાળવણી કરી હતી. વર્ષ 2023 દરમિયાન ચાર કરોડના ફંડમાંથી વિદ્યાર્થીઓને માત્ર 45 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી. અત્યાર સુધી યુનિવર્સિટીને માત્ર રુ. 67 લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે. સૌથી અગત્યની વાત એ છે કે ઈન્ક્યુબેશન સેન્ટર દ્વારા માત્ર રુ. 13 લાખનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની સામે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીને વર્ષ 2019 થી આજ દિન સુધી રુ. 90 લાખ આપવામાં આવ્યા હતા. જેમાંથી તેઓએ 59 સ્ટાર્ટ અપને 52 લાખ રૂપિયાનું ફંડ આપ્યું છે.
યુનિવર્સિટી સંચાલનનો ખુલાસો : આ સમગ્ર મામલે VNSGU કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, અઢી કરોડ રૂપિયા ફંડ માટે 200 પ્રોજેક્ટ પર અમે કામ કરી રહ્યા છે. જોકે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીની જગ્યાએ અમે યુનિવર્સિટીનું ફંડ વાપરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અઢી કરોડ રૂપિયા વાપર્યું છે. SSIP માટે અમારી વિવિધ કમિટીઓ છે. યુનિવર્સિટીમાં જ્યારે એક્યુબેશન સેન્ટર સ્થાપવામાં આવશે ત્યારે અમે તેનો ઉપયોગ કરી શકીશું. SSIP માં અત્યાર સુધી યુનિવર્સિટી તરફથી 18 લોકોને માન્યતા આપવામાં આવી છે.