રાજકોટ: ઉપલેટા પંથકમાં શનિવારે કોલેરાથી 4 બાળકનાં મૃત્યુ નીપજ્યાં બાદ 2 બાળકમાં ઝાડા-ઊલટીનાં લક્ષણો જણાતાં તેનાં સેમ્પલ લઈને જામનગર મેડિકલ કોલેજ ખાતે ટેસ્ટિંગ કરાવાયું હતું. એ બન્ને કેસ પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી એક બાળકનું મૃત્યુ નીપજ્યાનું જિલ્લા આરોગ્યતંત્રે જણાવ્યું છે, આથી કોલેરાને કારણે બાળકોનો મૃત્યુઆંક 5 પર પહોંચી ગયો છે. તપાસ કરતાં આ ગરીબ મજૂરો ગંદા લત્તામાં પ્લાસ્ટિકના વેસ્ટના ઢગલા પાસે રહેતા હતા. ચોખ્ખું, ફિલ્ટર અને જીવાણુમુક્ત કરેલું પાણી પૂરું પડાતું નહોતું, આથી કૂવા, બોરનું પ્રદૂષિત પાણી પીવા મજબૂર હતા અને એ કારણે 48 લોકોને ઝાડા-ઊલટી થયાં હતાં. કોલેરાનો રોગ પ્રસરતાં સ્થાનિકોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.
ઝાડા ઉલ્ટીના ઘણા કેસ: ઉપલેટાના ગણોદ-તણસવા રોડ પર આવેલ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં રહેતા અને મજૂરીકામ કરતા મજૂર પરિવારોમાં કોલેરાની ભયાનક બીમારી ફેલાઇ જતા અત્યાર સુધીમાં પાંચ લોકોના મૃત્યુ નીપજયા છે. સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.સિંઘ જણાવ્યું હતું કે, અગિયાર કારખાના પ્લાસ્ટિ વેસ્ટના આવેલ છે. આ વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના ઘણા કેસ જોવા મળ્યા હતા. ગત દિવસે જામનગરમાં સારવારમાં રહેલ બાળકનું પણ મોત નીપજ્યું છે જ્યારે આરોગ્ય વિભાગની 37 ટિમ બનાવી દરેક ટિમમાં 2 માણસો રાખી ચેકીંગ હાથ ધરાયુ હતું. અહિયાં છ જેટલા કારખાનામાં સિલ કરવામાં આવેલ છે જેમાં આ કારખાનામાં પીવાનું પાણી પીવા લાયક ન હતા, ત્યારે બે કારખાનામાં કુવા માંથી પાણી લેવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ગત 16 જૂનથી ઝાડા ઉલટીના કેસો જોવા મળ્યા હતા જેમાં કુલ છ ગામોના 25 હજાર લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. આ કોલેરાના બે કંફોર્મ કેસ સામે આવ્યા હતા ત્યારે ઉપલેટા વિસ્તારમાં કુવાના બોરમાંથી પણ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે.
મજૂરો માટે ચોખ્ખા પાણીનાં નળ જ નથી: કોલેરા જાહેર થાય તો એ આખો વિસ્તાર જોખમી જાહેર કરવામાં આવતો હોય છે. આ રોગચાળા અન્વયે સીએચઓ, આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, મેલ અને ફીમેલ હેલ્થવર્કર, આશાવર્કર, આરોગ્ય કેન્દ્રના મેલ અને ફીમેલ સુપરવાઈઝરો, તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા હેલ્થના બન્ને સુપરવાઈઝર વગેરે કુલ 10 કર્મચારીને શો-કોઝ નોટિસ અપાઇ છે. ખુલાસા બાદ આગળની કાર્યવાહી કરાશે. ઉપલેટાના આ વિસ્તારમાંથી ઝાડા-ઊલટીના 48 કેસ મળ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે નર્મદાની પાઈપલાઈન નજીકમાંથી પસાર થતી હતી, પરંતુ કારખાનેદારોએ નિયમ અનુસારના પૈસા ભરીને મજૂરો માટે ચોખ્ખા પાણીનાં નળ જોડાણ લીધાં નહોતાં.
ડો.પી.કે. સિંઘનું નિવેદન: કોલેરાના કેસને લઈને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પી.કે. સિંઘનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં ગત 16 જૂનથી ઝાડા-ઊલટી સહિતના કેસ મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા. સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ છ જેટલા ગામોના 25,000 લોકોના સ્ક્રિનિંગ પણ કરાવવામાં આવ્યા છે. ઉપલેટા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા જે જળસ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ 4 બાદ વધુ એક સહિત કુલ 5 બાળકોના મોત થઈ ચૂક્યા છે. દર્દીઓને સારવાર અર્થે ઉપલેટા તેમજ જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કલેક્ટર વિભાગ દ્વારા છ જેટલા કારખાના હાલ સીલ કરવામાં આવ્યા છે. કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા કુવાના પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે કે કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા બોરના પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તણસવા અને ગણોદ વિસ્તારમાં 11 જેટલા પ્લાસ્ટિક રિસાયક્લિંગના કારખાના આવેલા છે. જેમાં મોટાભાગના પરપ્રાંતીય મજૂરો પોતાના પરિવાર સાથે રહીને કામકાજ કરે છે. અત્યારસુધીમાં 6 કારખાના સીલ કરવામા આવ્યા છે.
મજૂરોની દયનીય સ્થિતિ: કારખાનેદારો બોટલનું ફિલ્ટર પાણી પીતા હતા, જ્યારે મજૂરો જે વિસ્તારમાં પાણી પીતા એ વિસ્તારમાં પાણીના નમૂના લેવાતાં એ અત્યંત પ્રદૂષિત હોવાનો રિપોર્ટ પણ આવ્યો છે. એટલું જ નહીં, આ ગરીબો જ્યાં કાચાં ઝૂંપડાં જેવા સ્થળે રહેતા હતા એની બાજુમાં જ પ્લાસ્ટિકના પ્રદૂષિત કચરાના મોટા ગંજ હતા. એકંદરે સૌરાષ્ટ્રમાં કારખાનાંથી માંડીને બાંધકામમાં ગરીબ મજૂરો કામ કરતા હોય છે, જેમાં ઘણા પરપ્રાંતીયો હોય છે. સમગ્ર સૌરાષ્ટ્રના આરોગ્ય માટે તેમનું આરોગ્ય જાળવવું પણ જરૂરી છે. આ અન્વયે સરકારનાં તમામ ખાતાંએ આ મજૂરો કેવી સ્થિતિમાં ક્યાં વસે છે, કેવું પાણી પીવે છે, કેવો ખોરાક ખાય છે એની તપાસ કરીને કાર્યવાહી કરવાની પણ જરૂર છે. ઉપલેટાનાં ગણોદ અને તાણસવા ગામ નજીક આવેલા કારખાનામાં કામ કરતા મજૂરોના કાર્તિક, કવિતા, સેજલી, બંસી નામનાં 4 બાળકનાં પાંચ દિવસ પહેલાં કોલેરાથી મોત થયાં હતાં. થોડા દિવસ પહેલાં જ બાળકોની તબિયત બગડી હતી. એ બાદ આ બાળકોને સારવારમાં અલગ-અલગ જગ્યા પર ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન બાળકોનાં મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના જણાવ્યા અનુસાર, ઉપલેટાના તાણસવા ગામે પલ્સ પોલિયો અભિયાન દરમિયાન અમુક ઝાડા-ઊલટીના કેસો સામે આવ્યા હતા, જ્યારે જામનગરથી કોલેરાનો એક કેસ સામે આવતાં જ અહીં સર્વેલન્સ ટીમો ઉતારવામાં આવી હતી. 24 કલાક ડોક્ટર સહિત આરોગ્યની ટીમ આ વિસ્તારમાં ખડેપગે રાખવામાં આવી છે. ઝિંક અને ORSની દવાઓ પણ આપવામાં આવી રહી છે. રાજકોટની સિવિલમાંથી નિષ્ણાત તબીબોની ટીમો બોલાવવામાં આવી છે અને દવાઓનો પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે.
નોનવેજ ખોરાકના કારણે પણ આ બનાવ બન્યો: તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીઝ અને કારખાના-માલિકો બેઝિક હાઇજિન મેઇન્ટેન કરે એ માટે મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમજ લોકોને સમજણ આપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બાળકોનાં મોતની ઘટના કોલેરાના કારણે બની હોવાની શક્યતા છે. આ રોગ પાણીજન્ય હોવાથી અહીંના તમામ જળસ્ત્રોતના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. નોનવેજ ખોરાકના કારણે પણ આ બનાવ બન્યો હોવાની પણ શક્યતા છે, જેને લઈને આજુબાજુના 10 કિમી સુધીના વિસ્તારોમાં મર્યાદિત સમય માટે ખાણીપીણીની દુકાનો બંધ રાખવા આદેશ અપાયા છે. આ સાથે જ મામલતદારને ઉપલેટાના કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ખાધ્ય પદાર્થનું વેચાણ કરતાં વેપારી માટે આદેશ: ખાદ્ય પદાર્થના વેપારીઓએ ફરસાણ,મીઠાઈ, ગોળ, ખજૂર તથા અન્ય કોઈ ખાદ્ય પદાર્થો ખુલ્લા રાખવા, શાકભાજી ફળફળાદિના ધંધાર્થીઓએ તેને કાપીને ખુલ્લા રાખવા તેમજ આવી વસ્તુઓનું ટુકડા કરીને વેચાણ કરવા પર, બરફ ગોલા તથા ગુલ્ફીમાં માવાના વેચાણ પર, વાસી ખોરાક ઉપયોગમાં લેવા પર મનાઈ ફરમાવી છે. શહેરનાં તમામ ખાણીપીણીનાં સ્થળો, હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ, ફરસાણની દુકાન, ભોજનાલયો વગેરેમા સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવા તેમજ ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકવા કાચની પેનલ લગાવી અથવા માખી ન પ્રવેશી શકે એટલી બારીક વાયરનેટ લગાવી ઢાંકી રાખવા અને પેપર ડિશમાં જ ખોરાક પીરસવા અને શેરડીનો રસ, બરફના ગોલાનું વેચાણ ડિસ્પોઝિબલ ગ્લાસમાં જ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશોનુ ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
પ્રભવ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, શનિવારે ચાર બાળકોના કોલેરાથી મૃત્યની ઘટના અંગે જાણ થયા બાદ પાણીપુરવઠા બોર્ડ અને જીપીસીબી પાસે અલગ અલગ ફેક્ટરીઓમાંથી પાણીનાં સેમ્પલ લેવડાવવામાં આવ્યાં હતાં. બેક્ટેરિયાનું અને બીમારી ફેલાઇ એવાં તત્ત્વોનું પ્રમાણ વધુ હોવાનો રિપોર્ટ આવ્યાને કારણે જ કોલેરા ફેલાયાનું અને ચાર માસૂમ બાળકોનાં મૃત્યુ થયાંનું સ્પષ્ટ બન્યું છે, આથી ઉપલેટા મામલતદારને તાત્કાલિક અસરથી આ છ ફેક્ટરીના બોર અને કૂવા સીલ કરવાના આદેશ કર્યા હતા તેમજ આ છ ફેક્ટરીના માલિકો સામે ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એક્ટ હેઠળ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે. આ પ્રકરણમાં એકપણ જવાબદારને છોડાશે નહીં.
અત્યારે 6 ફેક્ટરી અને તેમના બોર, કૂવા સીલ કરી દેવાયા
1) હીરા મોતી
2) સંસ્કાર પોલિમર્સ
3) ખોડિયાર
4) ઘનશ્યામ
5) અર્ચના પોલિમર્સ
6) આશ્રય પોલિમર્સ
રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પપ્પુસિંહે જણાવ્યું હતું કે, અમારી પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ કારખાનેદારોની જવાબદારી છે કે તેમણે અમને ઘટના અંગે જાણ કરી ન હતી, આથી આ કારખાનેદારોને નોટિસ આપી ‘તમારા કામદારોનાં અનઅપેક્ષિત મૃત્યુ થયાં તો શા માટે જાણ ન કરી’ એનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગના કર્મચારીઓની બેદરકારી સંદર્ભે પણ વર્ગ-1ના ક્લાસ અધિકારી હેઠળ 3 અધિકારીની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ક્યાં કચાશ રહી ગઈ? શા માટે આવડી મોટી ઘટનાની જાણ આટલી બધી મોડી થઈ? એની તપાસ કરી કાર્યવાહી કરાશે.