સુરત: 2જી ઓકટોબર એટલે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા તેમજ આ વર્ષે 'સ્વચ્છ ભારત મિશન' ના 10 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકાર દ્વારા તા.2જી ઓકટોબરને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે થઈ રહેલી દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે ઓલપાડ તાલુકાના પિંજરત ગામે જિલ્લા કક્ષાના સ્વચ્છ ભારત દિવસની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જેમાં મંત્રી અને મહાનુભાવોએ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાઈ સુપ્રસિદ્ધ રામજી મંદિરની સાફસફાઈ કરી શ્રમદાન કર્યું હતું. જિલ્લા- તાલુકા કક્ષાએ 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઇમિત્રો- કર્મયોગીઓને સન્માનિત કરાયા હતા.
ગાંધીજીની 155મી જન્મજયંતીએ સ્વચ્છાંજલિ અર્પણ: આ પ્રસંગે વન- પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના ચુસ્ત આગ્રહી હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીના સ્વચ્છતા મૂલ્યોને પ્રત્યેક ભારતીય સુધી પહોંચાડવા 10 વર્ષ પહેલાં શરૂ કરેલું સ્વચ્છ ભારત મિશન વ્યાપક બન્યું છે. સ્વચ્છતા અભિયાનમાં જન ભાગીદારીથી છેલ્લા 10 વર્ષમાં તમામ ગામ, શેરી-મહોલ્લા સહિત ધાર્મિક, ઐતિહાસિક સ્થળો સ્વચ્છ થયા છે એમ જણાવી તેમણે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’નો મંત્ર સાકાર કરનાર પૂજ્ય ગાંધીજીની 155મી જન્મજયંતીના અવસરે સ્વચ્છાંજલિ અર્પણ કરી હતી.
કાપડની થેલી ઉપયોગ કરવાનો ભારપૂર્વક અનુરોધ: 108 ગામોમાં સ્વચ્છતા ડ્રાઈવથી ઓલપાડ તાલુકો સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનશે એમ જણાવી મંત્રીએ સૌને પ્લાસ્ટિકની બેગને બદલે જૂની પરંપરા મુજબ કાપડની થેલી ઉપયોગ કરવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. દૈનિક જીવનમાં પ્લાસ્ટિકના ઉપયોગને સદંતર બંધ કરવાની દિશામાં આગળ વધીને સુરત જિલ્લામાં વિવિધ સ્થળોએ કાપડની જૂટ બેગના વેન્ડિંગ મશીનો મૂકવાના આયોજન વિષે તેમણે વિગતો આપી હતી.
108 ગામોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન: જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે સ્વચ્છતા અભિયાન માત્ર અઠવાડિયા પૂરતું જ નહી પરંતુ ૩૬૫ દિવસ સ્વચ્છતા જાળવવા અને શ્રમદાન કરવા માટે સંકલ્પિત થવા પર ભાર મૂક્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે કહ્યું કે, ઓલપાડ તાલુકાના 108 ગામોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન થઈ રહ્યું છે. દેશમાં સ્વચ્છતા સાર્વત્રિક ઝુંબેશ બની છે, ત્યારે જનભાગીદારી પણ જરૂરી છે. દરેક વ્યક્તિએ સ્વચ્છતાને પોતાના માનસમાં અંકિત કરી સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કારમાં વણી લેવા જણાવ્યું હતું.
'એક પેડ મા કે નામ' અભિયાન: આ વેળાએ 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત મંત્રી-મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી નાગરિકોને માતાની સ્મૃતિ અને સન્માનમાં વૃક્ષ વાવવા માટે આહ્વાન કર્યું હતું. ઉપસ્થિત સૌએ 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાયમી જળવાઈ રહે તે અંગે ગ્રામજનોને માહિતગાર કરી સ્વચ્છતાના શપથ લીધા હતા. આ કાર્યક્રમ દરમ્યાન નવી દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રકક્ષાએ યોજાયેલા સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
ઓલપાડ તાલુકામાં સ્વચ્છતાની કુલ 995 ઇવેન્ટ: અત્રે નોંધનીય છે કે, 2જી ઓક્ટોબર સ્વચ્છ ભારત દિવસની ઉજવણીમાં શ્રેષ્ઠ જનભાગીદારી સાથે સી.ટી.યુ.( ક્લીન્લીનેસ ટાર્ગેટ યુનિટ) ટ્રાન્સફોર્મેશનની શ્રેષ્ઠ કામગીરી કરનાર સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકામાં સ્વચ્છતાની કુલ 995 ઇવેન્ટમાં 82,836 જનભાગીદારી પ્રથમ ક્રમે નોંધાઈ હતી. મહુવા તાલુકામાં સફાઈ મિત્ર સુરક્ષા શિબિર પૂર્ણ કરનાર શ્રેષ્ઠ તાલુકાનો એવોર્ડ મળ્યો હતો. સી.ટી.યુ.( ક્લીન્લીનેશ ટાર્ગેટ યુનિટ) ટ્રાન્સફોર્મેશનની શ્રેષ્ઠ કામગીરીમાં ઓલપાડ ગ્રામ પંચાયત પ્રથમ, બારડોલી તાલુકાનું અકોટી દ્વિતીય અને કામરેજ તાલુકાનું છેડછા ગ્રામ પંચાયત તૃતીય ક્રમે આવ્યું હતું.
આ પણ વાંચો: