જુનાગઢ: આજે ગુરુ પુનમનું પાવન પર્વ છે. આજના દિવસે ભાવિકો તેમના ગુરુના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ગુરુ ગાદીએ આવતા હોય છે. ગુરુ દ્વારા પણ તેમના શિષ્યો અને ભાવિકો માટે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાતી હોય છે. ત્યારે ગોરખનાથ આશ્રમમાં મહિલા સેવકો દ્વારા ભાવિકો માટે ખાસ બાજરીના રોટલા તૈયાર કરીને અનોખી રીતે ગુરુ પુનમની ઉજવણી થાય છે.
ગુરુ પુનમે મહિલા ભાવીકોની સેવા: આજના દિવસે શિષ્યો અને ભાવિકો દ્વારા તેમની ગુરુગાદીના સ્થળ પર ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે. ગુરુના આશીર્વાદ મેળવ્યા બાદ પ્રત્યેક ભાવિકો અને શિષ્યોને ગુરુ દ્વારા આજના દિવસે ગુરુ પુનમ નિમિત્તે ખાસ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.
ભાવિકોને પ્રસાદ રૂપે રોટલા વિતરણ: કહેવાય છે કે, ખોરાકમાં જ્યારે ભક્તિ ભળે ત્યારે તે પ્રસાદ બનતો હોય છે. આવો જ આ પ્રસંગ એટલે ગુરુ પુનમ. ત્યારે આજના દિવસે ખાસ ભાવિકો માટે ભોજન પ્રસાદ રૂપે બાજરીના રોટલા બનાવવામાં આવી રહ્યા છે. આજે દિવસ દરમિયાન મહિલા ભાવિકો દ્વારા રોટલા બનાવીને દર્શને આવતા પ્રત્યેક ભાવિકોને પ્રસાદ રૂપે રોટલા વિતરણ કરવામાં આવશે.
મહિલા સેવકોએ આપી સેવા: આજે ગુરુ પુનમના ખાસ પર્વને લઈને ભવનાથમાં આવેલા ગોરખનાથ આશ્રમમાં બાપુના સેવકો દ્વારા ખાસ વિશેષ સેવા પૂજા માટે પણ હાજરી આપવામાં આવી રહી છે. ત્યારે રોટલા બનાવવા માટે સમગ્ર ગુજરાતમાંથી મહિલા સેવકો ગોરખનાથ આશ્રમમાં આવી છે.
દેશી પદ્ધતિથી લાકડાથી ચૂલા પર રોટલા: આ મહિલાઓ દ્વારા આજે દિવસ દરમિયાન હજારો લોકો ભોજન કરી શકે તે માટે ખાસ બાજરીના રોટલા અને તે પણ દેશી પદ્ધતિથી લાકડાથી ચૂલા પર બનાવીને અનોખી રીતે ગુરુ પુનમના પાવન પર્વે સેવા પૂજા પણ કરી રહી છે. સૌરાષ્ટ્રમાં કહેવત છે, જ્યાં ટુકડો ત્યાં હરિ ટુકડો હરિને પણ ખેંચી લાવવાની શક્તિ બાજરાના ટુકડામાં આજે પણ સમાયેલી છે. જેથી ખાસ સુરત અને વડોદરાથી આવેલી મહિલા સેવકોએ આજે રોટલા બનાવવાના સેવા કાર્યમાં ભાગ લઈને ગુરુ પુનમની ઉજવણી કરી હતી.