સુરત: વિદેશ પ્રધાન એસ.જયશંકર આજે સુરતની મુલાકાતે હતા. અરુણાચલ પ્રદેશ મુદ્દે ચાઇનાના વલણને લઈ તેમણે જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ ભારતનું રાજ્ય છે નામ બદલવાથી કશું નહીં થાય. કોઈના ઘરનું નામ હું બદલી નાખું તો શું તે મારું ઘર થઈ જશે ? અરુણાચલ પ્રદેશ પહેલા પણ ભારતનું હતું આજે પણ ભારતનું છે અને ભવિષ્યમાં પણ ભારતનું રહેશે. નામ બદલવાથી કશું થતું નથી.
સેના એચ્યુઅલ કન્ટ્રોલ માટે ડિપ્લોય: એક્ટિવિસ્ટ સોનમ અને લદ્દાખ વિશે પણ વિદેશ પ્રધાન જયશંકરે જવાબ આપતા જણાવ્યું હતું કે, એક્ટિવિસ્ટના પોતાના વિચાર હોય છે. અમારી સેના સીમા ઉપર લાઇન ઓફ એચ્યુઅલ કન્ટ્રોલ માટે ડિપ્લોય થઈ ચૂકી છે ત્યાં જે પણ કરવું હશે તે અંગે તેઓ જાણે છે.
ભારતીયોને હેલ્પર તરીકે રાખવા એ યોગ્ય નથી: હાલમાં જ એક એજન્સી રશિયામાં ભારતીય લોકોને ગેરકાયદેસર રીતે આર્મીમાં હેલ્પર તરીકે નોકરી કરાવે છે. યુદ્ધની દરમિયાન બે ભારતીય મૃત્યુ પણ પામી ચૂક્યા છે. આ સમગ્ર મામલે વિદેશ પ્રધાન ડોકટર એસ.જયશંકરએ જણાવ્યું હતું કે, આપણે રશિયા સામે આ અંગે મજબૂતીથી મુદ્દો ઉઠાવ્યો છે. ત્યાંના દૂતાવાસ સાથે પણ આપણે વાત કરી છે. યુદ્ધની સ્થિતિમાં ભારતીય નાગરિક અન્ય દેશની સેનામાં ન હોવા જોઈએ કે ન જોડાવા જોઈએ એ અમે માનીએ છીએ. આશરે 23 થી 25 વ્યક્તિઓ અમારા ધ્યાને આવ્યા છે જેમને પરત લાવવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છે અને આ અંગે અમેે રશિયા સાથે પણ વાત કરી છે. આવી ભરતી રશિયા દ્વારા કરવામાં આવી રહી છે તે બિલકુલ યોગ્ય નથી. યુવકનો મૃતદેહ લાવવા માટે પણ અમે સતત પ્રયત્નશીલ રહ્યા હતા. પરિવારની પણ મદદ કરી છે જોકે હેલ્પર તરીકે નોકરી કરાવવુ એ બિલકુલ પણ યોગ્ય નથી.
અરીહાને લઈ જર્મની સરકાર સાથે વાતચીત: જૈન પરિવારની બાળકી અરીહા અત્યાર સુધી જર્મનીની સંસ્થામાં છે. આ અંગે વિદેશ પ્રદાન જયશંકરએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ઘણા સમયથી બાળકીને લઈ જર્મની સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ. જોકે હાલ આ મુદ્દો કોર્ટમાં છે, જેથી નિર્ણય આવવામાં વાર લાગી શકે. બાળકીને યોગ્ય એન્વાયરમેન્ટ મળી શકે તેમજ તે પોતાના સંસ્કાર અને ભારતીય પરંપરાથી અવગત રહે તે માટે અધિકારીઓ બાળકીને મળતા રહે છે. પોતાના માતા પિતા પાસે બાળકી ન આવી શકે તો અન્ય ભારતીય દંપતીને તેને સોંપવામાં આવે તે માટે પણ અમે પ્રયત્નશીલ છીએ.