બોટાદ: બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર નીચે આવતા કુંડલી ગામ નજીક રેલવે ટ્રેકની વચ્ચે મોડી રાત્રે કોઈકે જૂની મીટરગેજ લાઈનનો ચાર ફૂટનો પાટો ઊભો લગાવી દેતા ઓખા ભાવનગર ટ્રેન તેની સાથે અથડાઈ હતી. જેથી એન્જિનને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે અને મોટી જાનહાની ટળી છે. જો કે બોટાદ પોલીસનો કાફલો સ્થળ પર દોડી જઇ તપાસ આદરી હતી. રેલવે તંત્ર દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસ નિષ્ફળ: બોટાદ જિલ્લાના કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક ઉપર કુંડલી ગામથી બે કિલોમીટરના અંતરે ગત મોડી રાત્રે અજાણ્યા શખ્સ દ્વારા બે પાટાની વચ્ચે જૂની મીટરગેજનો ચાર ફૂટનો પાટો ઉભો લગાવી દેવામાં આવ્યો હતો. જેથી રાત્રે આવતી ભાવનગર ઓખા 19210 ટ્રેન તેની સાથે અથડાઇ હતી, જેને પગલે ટ્રેક લગાવવામાં આવેલા સિમેન્ટ સ્લીપરનો ભાગ તૂટી ગયો હતો. બનેલા બનાવ બાદ વહેલી સવારે બોટાદ પોલીસને જાણ કરતા ડીએસપી, ડીવાયએસપી, એસ.ઓ.જી, એલસીબી પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો. ઘટનાની ડોગ સ્કોડ વડે તપાસ કરવામાં આવી હતી.
બનાવ બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ: બોટાદના કુંડલી નજીક બે કિલોમીટરના અંતરે બનેલા બનાવમાં રેલવે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે,'જૂની મીટર ગેજના ચાર ફૂટના પાટા સાથે ઓખા ભાવનગર 19210 ટ્રેનનું એન્જિન અથડાતા ટ્રેનનું પ્રેસર ઓછું થઈ ગયું હતું અને પાયલેટ દ્વારા ટ્રેન રોકવામાં આવી હતી. લોકોને ફેલ જાહેર કરવામાં આવ્યું હતું. લોખંડના દબાણને કારણે એક સ્લીપર પણ તૂટી ગયું હતું. જો કે આ ઘટનાના એક કલાક પહેલા ત્યાંથી માલગાડી પણ પસાર થઈ હતી. હાલમાં રાણપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસે ફરિયાદ બાદ તપાસ શરૂ કરી: બોટાદના ડીવાયએસપી મહર્ષિ રાવળે જણાવ્યું હતું કે,'રાણપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુંડલી ગામ નજીક બે કિલોમીટરના અંતરે રેલવે ટ્રેકની વચ્ચે જૂના મીટર ગેજનો ચાર ફૂટનો ટુકડો રાખવામાં આવ્યો હતો અને ટ્રેન અથડાઈ હતી. જેની જાણ થયા બાદ સ્થળ તપાસ કરાઈ હતી. કુંડલીથી બોટાદ વચ્ચે 1694 અને 1695 ની વચ્ચે સ્લીપર સાથે રાખવામાં આવેલો જૂના મીટરગેજનો પાટો મળી આવ્યો હતો. જો કે 19210 ઓખા ટ્રેનને આ અવરોધરૂપ બન્યો હતો. રેલવે તંત્ર દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં કલમ 3/5, 61 2A, 62, 125 અને રેલવે અધિનિયમ 150-1-A, 150 2 - B મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: