જૂનાગઢ: ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામમાં શિક્ષણની ઉલટી વ્યવસ્થા જોવા મળી છે. આજે રાજ્યમાં એવી અનેક શાળાઓ છે જ્યાં શાળાનું વૈભવી ભવન જોવા મળે છે. પરંતુ ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામમાં શિક્ષણની જાણે કે ઉલટી ગંગા વહેતી હોય તેવા ચિંતા જનક દ્રશ્યો સામે આવ્યા છે. માછીમાર પરિવારોની વસ્તી ધરાવતું સૈયદ રાજપરા ગામ અહીં સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલી માધ્યમિક શાળામાં 230 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરી રહ્યા છે.
પરંતુ ખાટલે મોટી ખોટ સમાન વર્ષ 2011થી આજ દિન સુધી શાળાનું ભવન નહીં બનતા વિદ્યાર્થીઓ દરદર ભટકીને શિક્ષણનો મૂળભૂત અધિકાર પ્રાપ્ત કરવા માટે મથામણ કરી રહ્યા છે. હાલ ગામમાં બનાવવામાં આવેલા પૂર અસરગ્રસ્ત માટેના નિવાસ્થાન એવા સેલ્ટર હાઉસમાં ગામના સરપંચ ભરત કામળીયાએ વિદ્યાર્થીઓ શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે તે માટે હંગામી ધોરણે શાળા ઉભી કરી છે, જેમાં બાળકો ધોરણ 9 અને 10નો અભ્યાસ કરી રહ્યા છે.
વર્ષ 2011માં શાળાને મળી મંજૂરી: રાજ્યના શિક્ષણ વિભાગે વર્ષ 2011માં દરિયાઈ વિસ્તારમાં અને ખાસ કરીને જ્યાં માછીમાર પરિવારની વસ્તી હોય અને પરિવારના મોટા ભાગના સદસ્યો માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા હોય આવા ગામમાં RMSA યોજના અંતર્ગત ધોરણ 9 અને 10ની શાળા શરૂ કરવામાં આવી હતી. 2011થી લઈને 2024 સુધી સરકારી મંજૂરી અને નિયમોની આંટીઘૂંટીમાં આ શાળા આજે પણ ફસાયેલી જોવા મળે છે. ગ્રામ પંચાયત દ્વારા ગામતળની 10 હજાર મીટર જમીન શાળા બનાવવા માટે જિલ્લા કલેકટર નીચે મૂકવામાં આવી છે, ત્યારબાદથી લઈને અત્યાર સુધીના 13 વર્ષનો સમયગાળો વીતી ચૂક્યો હોવા છતાં પણ શાળાના નિર્માણ માટે એક કાંકરી સુધ્ધા પણ મૂકવામાં આવી નથી. જેને કારણે સરપંચ હવે ગામમાં શાળાનું નવું ભવન બને તે માટે સરકાર સાથે પત્ર વ્યવહાર કરી રહ્યા છે.
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગ્રાન્ટ: સૈયદ રાજપરા ગામની માધ્યમિક શાળામાં છ શિક્ષક અને એક પટાવાળા મળીને વિદ્યાર્થીઓની સંખ્યાને અનુરૂપ શૈક્ષણિક સ્ટાફની ભરતી કરી દેવામાં આવી છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળા બનાવવા માટે કુલ 68 લાખ 77 હજારની ગ્રાન્ટ પણ મંજૂર કરી દેવામાં આવી છે. જે પૈકી 26 લાખ 44 હજારની ફાળવણી પણ શાળાના નવા મકાન બનાવવા માટે કરવામાં આવી છે. તેમ છતાં 13 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. પરંતુ શાળાનું મકાન હજી મામાના ઘર જેટલું દૂર જોવા મળે છે, જેને કારણે માછીમાર પરિવારોના 230 જેટલા બાળકો માધ્યમિક શિક્ષણ મેળવવા માટે દરદર ભટકી રહ્યા છે.
શિક્ષણ વિભાગના અધિકારીઓના ફોન મૂંગા મંતર: સૈયદ રાજપરા ગામની માધ્યમિક શાળાના નવા ભવનને લઈને etv ભારતે જિલ્લા શિક્ષણ અધિકારી પટેલનો ટેલીફોનિક સંપર્ક કરવાનો અનેકવાર પ્રયાસ કર્યો હતો. પરંતુ શિક્ષણ અધિકારીએ ફોન ઉપાડવા સુધીની તસ્દી લીધી નથી. અધિકારીઓ ફોન ઉપાડવા સુધી મહેનત કરતા નથી, ત્યારે શાળાનું નવું ભવન માછીમાર પરિવારોના બાળકોના નસીબમાં ક્યારે આવશે? તે પણ એક મોટો સવાલ છે. રાજ્યના શિક્ષણ પ્રધાન શાળા પ્રવેશોત્સવ અને શિક્ષણની ખૂબ મોટી વાતો કરે છે. મુખ્ય પ્રધાન અને ઉચ્ચ અધિકારીઓ પણ શાળા પ્રવેશોત્સવમાં જોડાયા હતા. પરંતુ 230 જેટલા માધ્યમિક શાળાના બાળકો આજે શાળાના ભવન વગર અભ્યાસ માટે દરદર ભટકી રહ્યા છે.