વલસાડ: વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા આજે વલસાડ સિવિલ હોસ્પિટલની અચાનક મુલાકાત લેતા સિવિલ હોસ્પિટલ સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. અચાનક જ સાંસદ શ્રી સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચતા સંચાલકો પણ તેમની સાથે સિવિલ હોસ્પિટલના નિરીક્ષણ માટે દોડી ગયા હતા. અનેક જગ્યા ઉપર સ્વચ્છતાનો અભાવ જોવા મળતા તેમણે સંચાલકોને સ્વચ્છતા જાળવવા ટકોર કરી હતી.
હોસ્પિટલમાં મળતી સવલતો અંગે જાણકારી મેળવી: વલસાડ સિવિલ હોસ્પિટલમાં સમગ્ર વલસાડ જિલ્લો, ડાંગ, આહવા વાંસદા તેમજ મહારાષ્ટ્રના પાલઘર સુધીના લોકો સારવાર અર્થે આવે છે. અહીં મોટી સંખ્યામાં રોજની ઓપીડી થતી હોય છે જેને લઈને જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ વલસાડ સિવિલ છે. ત્યાં દર્દીઓને કયા પ્રકારની સારવાર મળે છે અને કયા પ્રકારની સવલતો અહીં છે અને કઈ સવલતો બાકી છે આ તમામ અંગેની જાણકારી ધવલ પટેલે મેળવી હતી.
દર્દીઓને સુદ્રઢ સેવા મળે તેવું આયોજન કરાશે:ધવલ પટેલે જણાવ્યું હતું કે વલસાડ જિલ્લાની સૌથી મોટી સરકારી સિવિલ હોસ્પિટલમાં ડાંગ, આહવા, વાંસદા, વલસાડ, ઉમરગામ, સેલવાસ તેમજ પાલઘર સુધીના દર્દીઓ અહીં સારવાર અર્થે આવે છે, ત્યારે દર્દીઓને સૌથી ઉત્તમ સવલત અને સેવા કેવી રીતે મળે તે માટેના આયોજન અંગે તેઓ વિચારી રહ્યા છે અને દર માસે સિવિલ હોસ્પિટલના સંચાલકો સાથે વિશેષ બેઠક યોજાઈ પ્રશ્નો અને તેના નિરાકરણ અંગે ચર્ચાઓ કરશે.
ધારાસભ્ય ભરત પટેલ પણ જોડાયા: વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પણ ધવલ પટેલ સાથે આજે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અને સિવિલ હોસ્પિટલના વિવિધ વિસ્તારનું નિરીક્ષણ કરી મુલાકાત લીધી હતી તેમજ અહીં મળતી સહવલોતો અને લોકોને પડતી અગવડ અંગે પણ જાણકારી દર્દીઓ પાસેથી મેળવી હતી.
સારવાર લઇ રહેલા દર્દીઓ સાથે વાતચીત કરી: સાંસદ ધવલ પટેલ દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત વખતે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આદિવાસી ક્ષેત્રના અનેક ગરીબ દર્દીઓની મુલાકાત લીધી હતી. અને અહીં આપવામાં આવતી સારવાર અંગે અને તેમાં રહેલી ત્રુટીઓ અંગે દર્દીઓ પાસેથી જાણકારી મેળવી હતી અને તેને વધુ યોગ્ય અને સુદ્રઢ બનાવવા માટેની ખાતરી પણ તેમણે આપી હતી. આમ વલસાડ જિલ્લામાં આરોગ્ય લક્ષી સેવાઓ યોગ્ય રીતે દર્દીઓને મળે તેવા હેતુથી વલસાડના ચૂંટાયેલા સાંસદ દ્વારા આકસ્મિક સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ નિરીક્ષણ કરી સલાહ સૂચનો અને સુદ્રઢ સેવા કઈ રીતે પૂરી પાડવામાં આવે તે અંગે આગામી દિવસમાં આયોજન કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.